25 October, 2022 11:43 AM IST | Mumbai | Rajendra B Aklekar
માથેરાન જવા માટે નેરળથી લોકલ ટ્રેન પકડવાની હોય એવા દિવસો હવે દૂર નથી
માથેરાન જવા માટે નેરળથી લોકલ ટ્રેન પકડવાની હોય એવા દિવસો હવે દૂર નથી. સેન્ટ્રલ રેલવે નેરળ અને માથેરાન વચ્ચેની ટ્રિપ માટે નિયમિત લોકલની જેમ એન્જિન વિનાની મલ્ટિપલ-યુનિટ ટ્રેનો બનાવવા માટે ઉત્પાદકો સાથે વાત કરી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
‘સેન્ટ્રલ રેલવે નૅરોગેજ સેક્શન માટે નવી ડિઝાઇનની ડીઝલ-ઇલેક્ટ્રિક સંચાલિત મલ્ટિપલ યુનિટ (ડેમુ) પ્રકારની સ્વ-સંચાલિત ટ્રેન માટે ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (આઇસીએફ) સાથે વાતચીત કરી રહી છે. આ સેક્શનમાં સામાન્ય ટ્રેનોમાં પેન્ટ્રી માટે ઉપયોગમાં લેવાતો હોય એવો કોચ બુક કરાવવા વિશે પણ આયોજન ચાલી રહ્યું છે. મધ્ય રેલવે સેક્શનમાં વધુ સારી રીતે સવારી કરવા માટે સંશોધિત દાર્જીલિંગ હિમાલયન રેલવે (ડીએચઆર) ટ્રોલી અને ડ્રાફ્ટ ગિયર વ્યવસ્થા સાથે કોચની નવી ડિઝાઇન મેળવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.
આ વિચારને સમજાવતાં અધિકારીએ ઉમેર્યું હતું કે આ ડેમુ ટ્રેન મુંબઈના ઉપનગરમાં રેગ્યુલર ટ્રેન કે પછી દિવા-વસઈ-પનવેલ વચ્ચે દોડતી ટ્રેન જેવી જ હશે. જોકે નૅરોગેજ રેલવે લાઇન પર દોડવા માટે એ સહેજ નાના કદની હશે. માથેરાનની રેલવે લાઇન દાર્જીલિંગની લાઇનની જેમ જ બે ફુટની નાની નૅરોગેજ લાઇન છે.