સેન્ટ્રલ રેલવે ૧૫ સ્ટેશનની સુવિધાઓ અપગ્રેડ કરશે

07 May, 2023 10:50 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ફુટઓવર બ્રિજ સાથે રૅમ્પની વ્યવસ્થા કરવી, રેલવે પરિસરમાં વાહનોની અવરજવર સ્મૂધ કરવી, બ્યુટિફિકેશન કરવું, સ્ટેશનનો સારો મેઇન ગેટ બનાવવો, છત અને પ્લૅટફૉર્મનું રિપેરિંગ કરવું, સુવિધાઓ સાથેની વેઇટિંગ રૂમ બનાવવી અને ટૉઇલેટને અપગ્રેડ કરવાનો એમાં સમાવેશ

પ્રતીકાત્મક તસવીર

કૂદકે ને ભૂસકે મુંબઈની વસ્તી વધી રહી છે અને હવે તો દૂરનાં પરાંઓમાંથી પણ લોકો રોજેરોજ રેલવેમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે મુસાફરોને સારી સુવિધા મળી રહે એ માટે સેન્ટ્રલ રેલવેએ અનેક નાનાં-મોટાં કામ હાથ પર લેવાનું નક્કી કર્યું છે અને એ માટેનાં ટેન્ડર બહાર પાડ્યાં છે. એ સાથે જ રેલવે પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પણ યોજના ઘડી છે અને એ માટે બીએમસીનો પણ સાથ માગ્યો છે. સ્ટેશનની બહાર ફેરિયાઓ દ્વારા થતા અતિક્રમણને રોકવું, ત્યાં ટ્રાફિક મૂવમેન્ટ સરળતાથી ચાલતી રહે એ માટે પાર્કિંગ ફૅસિલિટી પર ધ્યાન આપવું, સ્વચ્છતા જાળવવી વગેરે બાબતનો એમાં સમાવેશ થાય છે. સેન્ટ્રલ રેલવેએ આ માટે બીએમસીના કમિશનરને અને અન્ય સંબંધિત મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાના વડાને પત્ર લખીને એ માટે સહકાર આપવા જણાવ્યું છે.  

સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા એ.કે. જૈને આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ ‘અમૃત ભારત’ યોજના હેઠળ અનેક જગ્યાએ અપગ્રેડેશનનાં કામ હાથ ધરાઈ રહ્યાં છે અને એમાં ઘણી જગ્યાએ તો કામ ચાલુ પણ થઈ ગયાં છે. મુંબઈ રીજનમાં સ્ટેશનની બહાર પણ પ્રવાસીઓને અવરજવરમાં સરળતા રહે એ માટે અમે બીએમસીનો સહકાર માગ્યો છે અને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.’

સેન્ટ્રલ રેલવેનાં ૧૫ સ્ટેશનો સૅન્ડહર્સ્ટ રોડ, ભાયખલા, ચિંચપોકલી, પરેલ, માટુંગા, કુર્લા, વિદ્યાવિહાર, વિક્રોલી, કાંજુરમાર્ગ, મુમ્બ્રા, દિવા, શહાડ, ટીટવાલા, ઇગતપુરી અને હાર્બર લાઇનના વડાલા સ્ટેશનનો એમાં સમાવેશ કરાયો છે. આ સ્ટેશનો પર રેલવે દ્વારા જે સુવિધા આપવામાં આવશે એમાં ૧૨ મીટર પહોળો ફુટઓવર બ્રિજ, એની સાથે રૅમ્પની વ્યવસ્થા, રેલવે પરિસરમાં વાહનોની અવરજવર સ્મૂથ કરવી, ત્યાંનું બ્યુટિફિકેશન કરવું, સ્ટેશનનો સારો મેઇન ગેટ બનાવવો, છત અને પ્લૅટફૉર્મનું રિપેરિંગ કરવું, સુવિધાઓ સાથેના વેઇટિંગ રૂમ બનાવવા અને ટૉઇલેટને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે. આ માટે હાલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. જોકે આ બધાં કામ મૉન્સૂન પછી એટલે કે દિવાળી પછી જ હાથ ધરવામાં આવશે એમ સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું છે.

mumbai mumbai news central railway bakulesh trivedi