અતિ જોરદાર પવન સાથે આવેલા વરસાદે બતાવ્યો પોતાનો પરચો

14 May, 2024 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરી ઊડી : નાની-મોટી અનેક દુર્ઘટના થઈ : સેન્ટ્રલ રેલવે ખોરવાઈ : વિઝન રોકાઈ જતાં મેટ્રો થોડા સમય માટે રોકી દેવાઈ

મુલુંડ અને થાણે વચ્ચે એક થાંભલો ઓવરહેડ વાયર પર તૂટી પડતાં ટ્રેનો અટકી ગઈ હતી અને લોકોએ ઊતરીને પાટા પર ચાલવું પડ્યું હતું.

છેલ્લા થોડા દિવસથી રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં છૂટાંછવાયાં ઝાપટાં પડી રહ્યાં હતાં ત્યારે ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ વાદળો ઘેરાવા માંડ્યાં હતાં અને ચાર વાગ્યાની આસપાસ અંબરનાથ, કલ્યાણ, ડો​મ્બિવલી, થાણે અને મુંબઈ તથા એની આસપાસના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરી ઊડી હતી. ત્યાર બાદ કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જોકે વાવાઝોડા જેવી આ અસર ૧૫થી ૨૦ મિનિટ રહી હતી. એ થોડી વાર માટે પણ એણે પોતાનો પરચો બતાવ્યો હતો.

સેન્ટ્રલ લાઇનમાં મુલુંડ અને થાણે વચ્ચે એક થાંભલો ઓવરહેડ વાયર પર તૂટી પડવાથી બન્ને તરફની સ્લો ટ્રેનો અટકી ગઈ હતી. બદલાપુર પાસે પણ ઓવરહેડ વાયર પર વૃક્ષ તૂટી પડવાથી ત્યાં પણ ટ્રેનો અટકી ગઈ હતી. બે સ્ટેશન વચ્ચે ટ્રેનો અટકી ગઈ હતી એટલે લોકોએ થોડી વાર રાહ જોયા બાદ પાટા પર ઊતરીને આગળના સ્ટેશન સુધી જવા પદયાત્રા કરવી પડી હતી. એમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો.  

સેન્ટ્રલનાં દાદર, કુર્લા, ઘાટકોપર જેવાં મુખ્ય સ્ટેશનોનાં પ્લૅટફૉર્મ પર બહુ ભીડ થઈ ગઈ હતી. વેસ્ટર્ન રેલવેમાં પણ ટ્રેનો ૧૦થી ૧૫ મિનિટ મોડી દોડી રહી હતી. ધૂળની ડમરીને કારણે વિઝન રોકાઈ જતાં થોડી વાર માટે વર્સોવા-ઘાટકોપર મેટ્રો અને ગુંદવલી-દહિસર-અંધેરી (વેસ્ટ)ની મેટ્રો પણ રોકી દેવાઈ હતી.

mumbai news mumbai mumbai rains central railway mumbai metro