31 July, 2024 09:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્ય રેલવેના બદલાપુર સ્ટેશન પર એક મોટી રેલ દુર્ઘટના (Central Railway Updates) થતી બચી ગઈ હતી. બુધવારે એક ગૂડ્સ ટ્રેનના બ્રેક ફેલ થતાં આ ટ્રેન ટ્રેક બદલીને લોકલ ટ્રેનના પ્લેટફોર્મ પર આવી ગઈ હતી.. પેણ નજીકના ડોલ્વીથી શરૂ થયેલી આ ટ્રેન મદ્રાસમાં કોરુક્કુપેટ (દક્ષિણ રેલવે) જઈ રહી હતી. સાડા ચાર વાગ્યાની આસપાસ ટ્રેન બદલાપુર વિસ્તારમાં પહોંચી. આ ટ્રેનને રેડ સિગ્નલ આપવામાં આવ્યું હતું, પરંતુ ગૂડ્સ ટ્રેનની બ્રેક ફેઈલ થવાને કારણે ટ્રેન બીજા જ ટ્રેક પર ચડી ગઈ હતી અને તે બાદ ત્યાં જ ઊભી રહી ગઈ અને તે બાદ ટ્રેનનું એન્જિન પણ બંધ થઈ ગયું. આ દરમિયાન, બદલાપુરના લોકલ પ્લેટફોર્મ પર બીજી કોઈ ટ્રેન ઊભી ન હોવાથી લોકલ અને ગૂડ્સ ટ્રેન વચ્ચેનો મોટો અકસ્માત ટળી ગયો હતો.
બદલાપુરના પ્લેટફોર્મ નંબર એક પર કોઈ પણ લોકલ ટ્રેન ઊભી નહોતી જેના કારણે પ્લેટફોર્મ એક પર ગુડ્સ ટ્રેન અને લોકલ ટ્રેન વચ્ચેનો મોટો અકસ્માત થતાં અટકાઈ ગયો હતો. ગૂડ્સ ટ્રેનનું એન્જિન બંધ થવાને કારણે ડાઉન રૂટ (મુંબઈથી કર્જત જતી ટ્રેનો) ત્રણ કલાકથી વધુ સમય માટે બંધ રાખવામાં આવી હતી. તેમ જ હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી આવતી ટ્રેનોને માત્ર બદલાપુર પહેલાના અંબરનાથ સ્ટેશન (Central Railway Updates) સુધી જ દોડાવવામાં આવી રહી છે. દરમિયાન, અકસ્માતને કારણે છ લોકલ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે અને લાંબા અંતરની મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોને પણ અસર થઈ છે.
સાંજે 5:30 વાગ્યાની આસપાસ અપ માર્ગ શરૂ કરી ડાઉન માર્ગ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડાઉન રૂટ એટલે કે કર્જત તરફનો ટ્રાફિક 6.50 વાગ્યે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ ગુડ્સ ટ્રેનના લોકો પાયલટને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આ મામલે વધુ તપાસ પણ રેલવે પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન બદલાપુર સ્ટેશન (Central Railway Updates) પર ગુડ્સ ટ્રેન ઉભી રહેતાં અન્ય ટ્રેનો પર તેની મોટી અસર પડી હતી. મુંબઈથી લોકલ ટ્રેનો માત્ર અંબરનાથ સ્ટેશન સુધી જ દોડી રહી છે. અંબરનાથથી ટ્રેન ફરી મુંબઈ જવા રવાના થઈ હતી. ટ્રેનો માત્ર અંબરનાથ સુધી જ આવતી હોવાથી બદલાપુર અને આગળના સ્ટેશન સુધી પ્રવાસ કરનાર અનેક મુસાફરો રેલવે ટ્રેક પર ચાલીને જતા જોવા મળ્યા હતા. તેમજ કર્જતથી મુંબઈ જતી ટ્રેનોને પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હતી. કર્જતથી મુંબઈ તરફની ટ્રેન સેવાને ત્રણ કલાક કરતાં વધુ સમય માટે પૂર્ણપણે બંધ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે મંગળવારે પણ બપોરે માર્ગના સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાતા એક પછી એક ટ્રેનોની લાઇન લાગી ગઈ હતી. બપોરે 2:30 થી 3:30 વાગ્યા દરમિયાન CSMT અને મસ્જિદ (Central Railway Updates) સ્ટેશન વચ્ચે સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. શરૂઆતમાં અપ અને પછી ડાઉન રૂટ પર નિષ્ફળતાના કારણે એક પછી એક સ્ટેશનો પર ટ્રેનની લાઇન લાગી હતી.