20 November, 2023 01:14 PM IST | Mumbai | Bakulesh Trivedi
ફાઇલ તસવીર
સેન્ટ્રલ રેલવેએ ટ્રેનોમાં ગિરદી ઘટાડવા મુખ્ય સરકારી અને અર્ધસરકારી કાર્યાલયો તથા મોટી-મોટી કૉર્પોરેટ કંપનીઓની ઑફિસોમાં બે શિફ્ટમાં કર્મચારીઓને બોલાવવાની કરી વિનંતી : એનું કહેવું છે કે એથી લોકો આરામથી પ્રવાસ કરી શકશે, તેમની સેફ્ટી જળવાશે તેમ જ ટ્રેનોમાં ભીડ પણ ઓછી થશે
મુંબઈમાં મુખ્ય સરકારી અને અર્ધસરકારી કાર્યાલયો તથા મોટી-મોટી કૉર્પોરેટ કંપનીઓની ઑફિસો વર્ષોથી તળમુંબઈમાં આવેલી હોવાથી રોજ સવારે લાખો લોકો ટ્રેનમાં પ્રવાસ કર્યા પછી આખો દિવસ ઑફિસમાં કામ કરીને સાંજે તેમના પરામાં આવેલા ઘરે પાછા ફરે છે. એથી સવાર-સાંજ પીક-અવર્સમાં ટ્રેનોમાં ભયંકર ગિરદી જોવા મળતી હોય છે, જેને કારણે અનેક વાર અકસ્માત પણ થાય છે અને લોકોનો જીવ પણ જાય છે. જોકે આ પરિસ્થિતિને ટાળવા મધ્ય રેલવેએ છેલ્લા ૧૭ દિવસમાં ત્રણસો જેટલાં સરકારી અને અર્ધસરકારી કાર્યાલયો અને ખાનગી ઑફિસોને પત્ર લખીને કહ્યું છે કે ટ્રેનોમાં ભીડ ખાળવા અને લોકોની સેફ્ટીનો વિચાર કરીને જો તમે તમારી ઑફિસના ટાઇમટેબલમાં સહેજ ફેરફાર કરીને કર્મચારીઓને બે શિફ્ટમાં વહેંચી નાખો તો એ લોકો આરામથી પ્રવાસ કરી શકશે અને તેમની સેફ્ટી પણ જળવાશે તેમ જ ટ્રેનોમાં ભીડ પણ ઓછી થશે. તેમનું આ સૂચન શું ખરેખર વ્યવહારુ છે? રોજ ટ્રેનમાં પ્રવાસ કરતા ગુજરાતીઓનું આ બાબતે શું કહેવું છે એ જાણવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો ત્યારે કેટલાંક નવાં પ્રૅક્ટિકલ સૂચનો અને મંતવ્યો પણ જાણવા મળ્યાં એ તેમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત છે.
ગોવિંદાની જેમ બધા તેમની જવાબદારી એકસાથે નિભાવે તો જરૂર સફળતા મળે : વિશાલ રાંભિયા, મુલુંડ, બિઝનેસ
ટ્રેનોમાં થતી સવાર-સાંજની ભીડ ખાળવા સેન્ટ્રલ રેલવેએ લીધેલું આ પગલું સારું જ છે, પણ એના અમલીકરણ માટે બધાએ સાથે આવવું પડશે. કુદરતના નિયમ મુજબ માનવશરીરની બૉડી-ક્લૉક એક ચોક્કસ સમયે થતાં કામોને લઈને ગોઠવાયેલી હોય છે. સવાર પડતાં જ લોકો કામે લાગી જાય છે અને બપોરે થોડું સ્લોડાઉન હોય છે. જોકે હવે મુંબઈની વસ્તી બહુ વધી રહી છે. પહેલાં જ્યાં ચાર-પાંચ માળનાં મકાનો હતાં ત્યાં ૨૫-૩૦ માળનાં મકાનો થવા માંડ્યાં છે. ટ્રેનોમાં બહુ ભીડ થાય છે અને જાનહાનિ પણ થાય છે એ ખાળવી જરૂરી છે. રેલવેએ પણ કંઈક વિચારીને જ આ પ્રસ્તાવ મૂક્યો હશે. જોકે માત્ર ઑફિસોને જ પત્ર લખવાથી એ કામ સફળ નહીં થાય. એ ઑફિસોએ પણ એવો નિર્ણય લઈને બે શિફ્ટ કરવી પડશે. લોકોએ પણ એ માટે મન મક્કમ કરીને એ કામ પૂરતી જવાબદારી સાથે એ સમયે પાર પાડવાં પડશે. કોઈ એક વ્યક્તિ કે સંસ્થા દ્વારા જો એ કરાશે તો એની બહુ અસર નહીં થાય. તંત્ર, રેલવે, લોકો, ઑફિસો એમ બધાએ સાથે મળી ગોવિંદાની જેમ સાથે આવીને પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે. ત્યારે જ આને સફળતા મળી શકશે.
કર્મચારીઓને વીકમાં ત્રણ દિવસ વર્ક ફ્રૉમ હોમ અપાય તો પણ એનાથી બહુ ફરક પડી શકે : દિનેશ વિસરિયા, રહેવાનું મુલુંડ, બિઝનેસ દાદર
ટ્રેનોમાં ભીડ ખાળવા માટે મધ્ય રેલવેનું આ સૂચન સારું છે. આમ પણ મુંબઈમાં વર્ષોથી રોજ અનેક રાજ્યોના લોકો સ્થળાંતર કરી કામધંધા માટે આવીને વસતા જાય છે. એથી જેટલી પણ પબ્લિક સર્વિસ હોય એના પર એની અસર પડવાની જ છે. કોવિડમાં અનેક ઑફિસોએ તેમના જે કર્મચારીઓ ઘરે બેસીને કામ કરી શકતા હોય તેમને એવી સુવિધા આપી હતી. એ જો કાયમ માટે મહિનાના ૧૫ દિવસ આપવામાં આવે તો ઘણો ફરક પડી શકે. અઠવાડિયામાં તે વ્યક્તિ ત્રણ દિવસ કામ પર જાય અને ત્રણ દિવસ ઘરેથી કામ કરે તો પણ ગિરદીમાં બહુ મોટો ફરક પડે. બાકી જે ઉદ્યોગધંધાવાળા છે તેમને તો જવું જ પડે. મારી ફૅક્ટરીમાં ૨૦ જણનો સ્ટાફ છે. એમાં કેટલાક સ્કિલ્ડ કામદારો બોરીવલીથી તો કોઈ અંબરનાથથી આવે છે તેમને કટ-ઑફ ન કરી શકાય. મધ્ય રેલવે સરકારી ઑફિસો સાથે જાહેર જનતાને પણ કહી શકે કે તમારે ફરવા માટે કે સોશ્યલ કામકાજ માટે કે પછી કોઈ અન્ય કામ માટે રેલવે-પ્રવાસ કરવાનો હોય તો એનું પહેલેથી પ્રૉપર પ્લાનિંગ કરો અને લિસ્ટ બનાવી એકસાથે ઘણાંબધાં કામ એક જ દિવસે આટોપી લેવાનું રાખો તો તમારા ટ્રેનની એટલા દિવસની મુસાફરી બચી જશે અને એમાં સમય, શક્તિ અને પૈસા એમ ત્રણેની બચત થશે.
ઑફિસોના કર્મચારીઓને તેમના ઘર નજીક ટ્રાન્સફર અપાય તો ઉત્તમ : આશિષ મહેતા, રહેવાનું ઘાટકોપર, દુકાન ભાયખલા
મધ્ય રેલવેનું બે શિફ્ટમાં કર્મચારીઓને બોલાવવાનું સૂચન સારું જ છે. જોકે એ સિવાય મોટા ભાગની સરકારી ઑફિસો, બૅન્કો કે પછી એલઆઇસી કે અન્ય કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને જો તેમના રહેઠાણની નજીકની બ્રાન્ચમાં ટ્રાન્સફર અપાય તો તે લોકોનો જવા-આવવાનો સમય બચે અને સાથે જ ટ્રેનોની ભીડમાં પણ બહુ જ ફરક પડી શકે. મુલુંડમાં રહેતો કર્મચારી ફોર્ટમાં જૉબ પર જાય એના કરતાં જો તેને મુલુંડ કે ભાંડુપમાં ટ્રાન્સફર અપાય તો એ વધુ યોગ્ય છે. જોકે તળમુંબઈમાં આવેલી માર્કેટો અને દુકાનો મોટા ભાગે સવારના ૧૦ વાગ્યે ખૂલે છે અને સાંજના ૭.૩૦ વાગ્યા પછી વધાવી લેવાય છે. તેમના જે ગ્રાહકો છે તેઓ દિવસના સમયે જ ખરીદી માટે આવવાના છે. આ લોકો સાંજે ખરીદી કરવા નીકળે નહીં. એટલે આ ઉપાય એટલો કારગત નીવડે એવું લાગતું નથી.
બે શિફ્ટમાં કામ કરવાથી ગિરદી ઘણી ઘટી શકે એમાં બે મત નથી : પ્રેમચંદ પટેલ, રહેવાનું ઘાટકોપર, દુકાન એપીએમસી
જો ઑફિસોમાં બે શિફ્ટ કરી દેવાય તો ખરેખર ગિરદીમાં બહુ જ ફરક એમ પડે છે. એક બહુ જ સાદો દાખલો એ છે કે પહેલાં મુંબઈમાં અનેક જગ્યાએ આવેલી પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનની ઑફિસોનો ટાઇમ સવારના ૧૦થી સાંજના પાંચ વાગ્યાનો હતો. વળી વચ્ચે લંચ-ટાઇમ પણ રહેતો હતો. એથી ત્યાં બહુ જ ભીડ રહેતી અને ટોકન લેવું પડતું. ઘણી વાર તો બે-ત્રણ દિવસ પછી નંબર આવતો અને ધક્કા ખાવા પડતા. હવે એ લોકોએ બે શિફ્ટ કરી નાખી છે. સવારના સાતથી બપોરના બે અને બીજી શિફ્ટ બપોરના બેથી રાતના ૧૦. હવે આને કારણે લોકો વહેંચાઈ જાય છે અને ભીડ પણ ઓછી થાય છે. જે લોકો નોકરિયાત હોય તેમણે રજા નથી લેવી પડતી. તેઓ કાં તો સવારના સાત વાગ્યે પહોંચીને કામ પતાવી લે અથવા સાંજે ઑફિસથી છૂટીને પણ કામ પતાવવા પહોંચી જાય છે. આમ લોકોને પણ અનુકૂળતા રહે છે.