17 December, 2022 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ રેલવેએ સ્ટૉલધારકોને ક્લીનલીનેસ વૉરિયર બનાવ્યા છે
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. એમાં રેલવે પરિસરને પ્લાસ્ટિકમુક્ત બનાવવામાં આવ્યો છે. સ્ટેશનો પરના કેટરિંગ સ્ટૉલના સ્ટાફને ડીઆરએમ, મુંબઈ દ્વારા પ્લાસ્ટિકની થેલીઓને બદલે ઇકો-ફ્રેન્ડ્લી પેપર બૅગમાં ખાદ્ય ચીજો પીરસવા કે વેચવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ વિશે વધુ માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તમામ સ્ટૉલ પર કામ કરતા કર્મચારીઓને ‘સફાઈ યોદ્ધા’નો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમને આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ગ્રાહકોને પણ વિવિધ માધ્યમો દ્વારા આ અભિયાનમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી રહી છે. આનાથી પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ મળવા ઉપરાંત પ્લાસ્ટિકની થેલીઓ ડ્રેનેજ સિસ્ટમમાં અટવાઈ જાય છે એને કારણે વરસાદની મોસમમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો પણ હલ આવશે. આ પહેલને લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.’