અનસેફ સેફ્ટી?

02 November, 2023 07:50 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સેન્ટ્રલ રેલવેએ લોકોને ટ્રૅક ક્રૉસ કરતા અટકાવવા માટે પ્લેટફૉર્મને છેડે ગ્રીસ લગાવવાનું શરૂ કર્યું છે, પણ ગ્રીસને કારણે લપસી પડવાથી સલામતી જોખમાશે એનું શું?

બેલાપુર સ્ટેશને ગ્રીસ લગાડી રહેલો રેલવે-કર્મચારી

રેલવે ટ્રૅક ક્રૉસ કરતા લોકોને રોકવા માટે સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝને પ્લૅટફૉર્મના બન્ને છેડે ગ્રીસ લગાડવાનો નિર્ણય લીધો છે. આ પ્રયોગનો હેતુ ફુટ ઓવરબ્રિજ અને અન્ડરગ્રાઉન્ડ સબવેનો ઉપયોગ વધારવાનો છે. જોકે મુસાફરોમાં આને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ કન્સેપ્ટનો ઉદ્દેશ લોકોને પાટા ક્રૉસ કરતા અટકાવવાનો છે. તેમના ક્રૉસ કરવાથી માત્ર અકસ્માત જ નથી થતા, પણ એ સિસ્ટમમાં ટ્રેનની સ્પીડમાં ઘટાડો અને સંબંધિત પરિણામો તરફ દોરી જાય છે. ગ્રીસ લગાવીને અને ગ્રીસ પડલ્સ બનાવીને આવી ઘટના પર લગામ કસવામાં આવશે.’

સેન્ટ્રલ રેલવેના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘લોકોને પ્રવેશવાથી અટકાવવા માટે પ્લૅટફૉર્મના અંતે ફેન્સિંગ થયેલું છે, પણ શેડ્યુઅલ ઑફ ડાઇમેન્શન જરૂરિયાતોને લીધે થોડી જગ્યા બચી છે એટલે જ ઓછા ખર્ચે ઇનોવેટિવ પગલાં તરીકે એક નિશ્ચિત ફ્રૅમમાં ફેન્સિંગ અને પ્લૅટફૉર્મ ફ્લોર પર ગ્રીસ લગાડવામાં આવ્યું છે. બેલાપુર સીબીડી આવું જ એક સ્ટેશન છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ સલામતી માટે માત્ર સીડી, લિફ્ટ અને એસ્કેલેટરનો ઉપયોગ કરે.’

પોટહોલ વૉરિયર્સ ફાઉન્ડેશનના સિટી ઍક્ટિવિસ્ટ મુસ્તાક અન્સારીએ જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ રેલવેએ બહુ ધ્યાન રાખવું પડશે અને જણાવવું પડશે કે અહીં ગ્રીસ છે. પૅસેન્જર્સ લપસી શકે છે અને ઈજાગ્રસ્ત થઈ શકે છે. ટ્રૅક ક્રૉસ કરવા માટે તેમને દંડ થવો જોઈએ. શૉર્ટકટ લઈને પોતાનો જીવ જોખમમાં શા માટે મૂકવો જોઈએ?’

રેલ યાત્રી પરિષદના સુભાષ એચ. ગુપ્તાએ સેન્ટ્રલ રેલવેના આ નિર્ણયનાં વખાણ કર્યાં હતાં, તો એક મુસાફર મહેફૂઝ શેખે કહ્યું હતું કે ‘આ લાંબો સમય નહીં ચાલે, કેમ કે ભેજવાળા તાપમાં ગ્રીસ સુકાઈ જશે અથવા ઓગળી જશે. રેલવેએ કામચલાઉ ઉકેલને બદલે કંઈક અસરકારક કરવું જોઈએ.’  

ગ્રીસવાળા ઉપાય ઉપરાંત, મધ્ય રેલવે પ્લૅટફૉર્મના એન્ડમાં આવેલા સ્લોપ પણ કટ કરશે, જેથી લોકો રેલલાઇન ક્રૉસ ન કરે. ડિવિઝનલ રેલવે મૅનેજર રજનીશ કુમાર ગોયલે થાણે સ્ટેશનનું ઉદાહરણ આપ્યું હતું જ્યાં લોકો થોડી મિનિટો પણ બચાવવા માટે થાણે ક્રીક બ્રિજથી આવવાનું જોખમ ઉઠાવે છે. વડાલા, પારસિક અને રાઓલી જંક્શન પર પણ ટ્રેસપાસિંગની સમસ્યા છે.

ગોયલે એવું પણ જણાવ્યું હતું કે ‘સબર્બન સેક્શનમાં તમામ રેલવે સ્ટેશન પરના ૨૮૬ રૅમ્પમાંથી ૧૭૧ રૅમ્પ તોડી પાડવામાં આવશે. અધિકારીઓનો દાવો છે કે ૬૦ ટકાથી વધુ મૃત્યુ રેલવે-ટ્રૅક પર થાય છે, જ્યારે રેલવે લાઇન ખોટી રીતે ક્રૉસ કરવામાં આવે છે.’ 

central railway mumbai local train belapur mumbai mumbai news rajendra aklekar