સેન્ટ્રલ રેલવેના AC લોકલના ૧૦૦૦ પ્રવાસીઓએ બનાવ્યું વૉટ‍્સઍપ ગ્રુપ

27 June, 2024 09:35 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ગ્રુપમાં સર્વિસ વધારવાની માગણી સહિતની વિવિધ ચર્ચા થાય છે

ફાઇલ તસવીર

સેન્ટ્રલ રેલવેમાં ઍર-કન્ડિશન્ડ (AC) લોકલની સારી સર્વિસ મળે એટલા માટે એમાં નિયમિત પ્રવાસ કરતા પ્રવાસીઓ એક થયા છે. આશરે ૧૦૦૦ પ્રવાસીઓએ વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું છે જેમાં તેઓ આ સર્વિસ સુધારવા માટેનાં સૂચનોની આપ-લે કરે છે. આ પ્રવાસીઓએ હવે AC લોકલની સર્વિસ વધારવા, મહિલા પ્રવાસીઓ માટે વધારાના કોચ ફાળવવા અને સન્ડે ટાઇમટેબલને દૂર કરવા જેવી માગણીઓ કરી છે.

સેન્ટ્રલ રેલવે રોજ ૬૬ AC લોકલ સર્વિસ દોડાવે છે જેમાં ૭૮,૦૦૦ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આશરે ૪૦૦ પ્રવાસીઓએ તેમની માગણી માટેની પિટિશન પર હસ્તાક્ષર કરી દીધા છે અને ૮૦ ટકા પ્રવાસીઓના હસ્તાક્ષર મળ્યા બાદ એને સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ મૅનેજરને સુપરત કરવામાં આવશે.

ખુદાબક્ષોની સમસ્યા
પ્રવાસીઓ જણાવી રહ્યા છે કે AC લોકલમાં ACમાં પ્રવાસ કરવાની ટિકિટ ન ધરાવતા લોકો પ્રવાસ કરે છે એટલે ટ્રેનોમાં ભારે ભીડ થાય છે. આ માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના થયા બાદ પણ આમ થઈ રહ્યું છે. AC લોકલમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓ સીઝન ટિકિટના દરની અઢીગણી રકમ વધારે ચૂકવે છે. પ્રવાસીઓની માગણી છે કે નિયમિત રીતે ટ્રેનમાં ચેકિંગ કરવાની જરૂર છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોની સાથે ટિકિટચેકરોએ ડબ્બાની અંદર ચેકિંગ કરવાની જરૂર છે. ગિરદીના સમયે RPFના જવાનો ટ્રેનમાં પ્રવાસ ન કરે એવી પણ તેમની માગણી છે.

સન્ડે ટાઇમટેબલ
પ્રવાસીઓ જણાવે છે કે બૅન્ક-હૉલિડેના દિવસે ઉપનગરીય ટ્રેનો સન્ડેના ટાઇમટેબલ મુજબ દોડતી હોય છે જેને કારણે ઘણી AC લોકલની સર્વિસ કૅન્સલ કરી દેવામાં આવે છે. જે લોકો સીઝન પાસ કઢાવે છે તેમને આના કારણે પરેશાની થાય છે. ઘણી પ્રાઇવેટ ઑફિસો બૅન્ક-હૉલિડેના ​દિવસે ખુલ્લી હોય છે એટલે આવા દિવસોમાં AC લોકલ દોડવી જરૂરી છે. રેલવેએ AC લોકલ માટે અલગથી ટાઇમટેબલ બનાવવાની જરૂર છે.

મહિલા કોચ
હાલમાં AC લોકલમાં પહેલો અને છેલ્લો કોચ મહિલાઓ માટે અનામત છે, પણ ધસારાના સમયે આટલા કોચ અધૂરા હોય છે. આથી ધસારાના સમયે ૬ અને ૭ નંબરના કોચને પણ મહિલાઓ માટે અનામત રાખવા જોઈએ. વળી ડબ્બાની અંદર પણ માત્ર મહિલાઓ માટે એવાં બોર્ડ લગાવવાની જરૂર છે.

સવારે વધારે AC સર્વિસ
સવારે ધસારાના સમયે અંબરનાથથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી ૭.૩૦થી ૧૦.૩૦ વાગ્યાની વચ્ચે વધારાની AC સર્વિસ દોડાવવાની જરૂર છે.

ટાસ્ક ફોર્સની રચના
મુંબઈ ડિવિઝનલ વિભાગીય અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘અમે AC લોકલના પ્રવાસીઓ માટે ૧૪ સભ્યોની એક સ્પેશ્યલ ટાસ્ક ફોર્સનું નિર્માણ કર્યું છે. તેઓ AC લોકલના પ્રવાસીઓની ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવે છે.’

નવી સર્વિસ શક્ય નથી
રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લાં સાત વર્ષમાં અમે પીક-અવર્સમાં ૧૫૦ જેટલી નવી સર્વિસો દોડાવવાની શરૂઆત કરી છે અને તેથી નવી સર્વિસ ઉમેરવાની શક્યતા નહીંવત્ છે, અમે ઇચ્છીએ છીએ કે ઑફિસો સમયમાં બદલાવ કરે તો પીક-અવર્સમાં ધસારો ઓછો થઈ શકે.

mumbai local train AC Local indian railways central railway mumbai mumbai news rajendra aklekar