15 December, 2022 08:39 AM IST | Mumbai | Rajendra B Aklekar
પાણીને લઈને પાણીપત
મુંબઈ : સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સુધરાઈને દાયકાઓથી ન ચૂકવેલી પાણીનાં બિલની રકમ ૫૬૮ કરોડ રૂપિયા જેટલી થાય છે. સુધરાઈના રેકૉર્ડ અનુસાર આ વર્ષની પહેલી નવેમ્બર સુધીમાં સેન્ટ્રલ રેલવેએ ૨,૫૯,૯૩,૭૯,૪૧૮ રૂપિયા ચૂકવવાના થાય છે, જ્યારે વેસ્ટર્ન રેલવેએ ૩,૦૮,૮૫,૬૫,૨૪૭ રૂપિયાનાં બિલ ચૂકવ્યાં નથી.
રેલવે ઍક્ટિવિસ્ટ સમીર ઝવેરીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેં આરટીઆઇ હેઠળ કૉર્પોરેશન પાસેથી આ માહિતી મેળવી હતી. કૉર્પોરેશનના નિયમ અનુસાર જો નિયત તારીખની અંદર બિલની રકમ ન ચૂકવાય તો સુધરાઈ પાણીનું કનેક્શન કાપી શકે છે. જોકે લિસ્ટ અનુસાર કેટલાંક બિલ ૨૦૦૨થી પેન્ડિંગ છે એટલે એવો સવાલ ઊઠે છે કે કૉર્પોરેશને બિલની રકમ મેળવવા માટે સપ્લાય કાપીને કાનૂની પગલાં શા માટે ન ભર્યાં?’
આ મામલે સુધરાઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે ઘણાં રેલવે યુનિટ્સનો પાણી-પુરવઠો કાપીને પુનઃ શરૂ કર્યો હતો. અત્યારે તો આ મુદ્દે બન્ને એકબીજાને પત્રો પર પત્ર લખી રહ્યાં છે.
એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે ‘રેલવે મુંબઈ કૉર્પોરેશનને નિયમિત ચુકવણી કરે છે, પણ બિલિંગ સિસ્ટમમાં પહેલાં પેનલ્ટી અને અન્ય ઑટોમેટેડ ચાર્જ ઍડ્જસ્ટ કરવામાં આવે છે અને બાકીની રકમ બિલમાં ઉમેરવામાં આવે છે. અભય યોજના હેઠળ રેલવેને બાકી રકમ ચૂકવવાની સલાહ અપાઈ હતી જેથી દંડ માફ થઈ શકે. રેલવે દંડની રકમ માફ કરવાના મુદ્દે શહેર સુધરાઈ સાથે ચર્ચા કરી રહી છે. હાલનાં બિલ નિયમિતપણે ચૂકવાય છે. દંડ સિવાયનાં પેન્ડિંગ ઍરિયર્સ ચૂકવવામાં આવશે, જે માટે ઑથોરિટીની મંજૂરી લેવાઈ રહી છે.’