16 September, 2023 07:59 AM IST | Mumbai | Viral Shah
ડિફેન્સ ડિપાર્ટમેન્ટનો નવો સર્ક્યુલર
મુંબઈ ઃ મુંબઈમાં રિયલ એસ્ટેટને લઈને એવું કહેવાય છે કે જો કોઈ પ્રપોઝલ એક વાર અટકી ગઈ તો એને પાર પાડતાં નાકે દમ આવી જાય છે અને આ વાતની ફ્લૅટ ખરીદનારા લોકોથી લઈને બિલ્ડર સુધી બધાને ખબર હોવાથી તેઓ બને એટલી તકેદારી રાખતા થઈ ગયા છે છતાં આપણા કાયદા અને એના અર્થઘટનને લીધે ક્યારેય કોઈ પણ એની ઝપેટમાં આવી જાય છે અને એનું લેટેસ્ટ ઉદાહરણ છે મલાડ-કાંદિવલીના બિલ્ડરો અને એમાં ફ્લૅટ લેનારા લોકો.
વેસ્ટર્ન સબર્બમાં સેન્ટ્રલ ઑર્ડિનન્સ ડેપો (સીઓડી) અને સેન્ટ્રલ સબર્બમાં નેવીની એનઓસી ન મળવાને લીધે ઘણા બધા પ્રોજેક્ટ્સ અટકેલા છે અને મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સ (એમઓડી) તરફથી નવા સર્ક્યુલરની રાહ જોવાઈ રહી છે ત્યારે સીઓડી, કાંદિવલીએ બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગને મોકલેલા લેટરે સીઓડીથી ૫૦૦ મીટરની હદમાં ડેવલપમેન્ટ કરી રહેલા મલાડ-કાંદિવલીના બિલ્ડરોની ઊંઘ ઉડાડી દીધી છે.
બીએમસીની કાંદિવલી (ઈસ્ટ)માં આવેલી બિલ્ડિંગ પ્રપોઝલની ઑફિસના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સંબોધીને ૯ સપ્ટેમ્બરે લખવામાં આવેલા (જે બીએમસીને ૧૩ સપ્ટેમ્બરે મળ્યો છે) આ સર્ક્યુલરમાં સીઓડીએ એસઆરએએ એક ડેવલપરને મોકલેલા લેટરનો સંદર્ભ ટાંકીને કહ્યું છે કે ‘અમારી ૧૮ મે, ૨૦૧૧ની ગાઇડલાઇન્સનું પાલન કરીને એસઆરએએ એક ડેવલપરને સ્ટૉપ વર્ક નોટિસ આપીને અમારી એનઓસી લેવાનું કહ્યું છે જે યોગ્ય છે. અમારા આદેશનું ખરું અર્થઘટન કરીને એસઆરએએ જે રીતે નિર્ણય લીધો છે એ જ રીતે તમે પણ અમારી ૧૮ મે, ૨૦૧૧ની ગાઇડલાઇન્સને અમલમાં મૂકો અને જે પણ પ્રોજેક્ટ્સને અમારા આદેશનું ઉલ્લંઘન કરીને પરવાનગી આપવામાં આવી છે એને સ્ટૉપ વર્ક નોટિસ આપીને અમારી એનઓસી લેવાનો આદેશ આપો.’
શહેરના બિલ્ડરો સીઓડીના આ સર્ક્યુલરને શેઠિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે હાઈ કોર્ટમાં કરેલી પિટિશન સાથે જોડીને જોઈ રહ્યા છે. સીઓડીએ પણ પોતાના સર્ક્યુલરમાં એસઆરએના જે પ્રોજેક્ટનો સંદર્ભ આપ્યો છે એ શેઠિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનો જ છે.
સીઓડીથી ૫૦૦ મીટરની અંદર પ્રોજેક્ટ્સ કરી રહેલા શહેરના અમુક બિલ્ડરોને બીએમસી અને એસઆરએએ પરવાનગી આપી હોવાથી પોતાની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું કહીને શેઠિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે બૉમ્બે હાઈ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે. ૨૯ ઑગસ્ટે એની સુનાવણી વખતે કોર્ટે આ બાબતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બીએમસી અને એસઆરએને ચાર અઠવાડિયાંમાં જવાબ આપવાનું કહ્યું હતું. હવે એની સુનાવણી બુધવારે છે. કોર્ટે આગામી સુનાવણી વખતે આ બાબતે ચુકાદો આપવાની તૈયારી બતાવી હોવાથી મુંબઈના બિલ્ડરો અને લોકોની નજર હાઈ કોર્ટમાં શું થાય છે એના પર છે, પણ એ પહેલાં સીઓડીના આ લેટરે હવે તેમને ચિંતામાં મૂકી દીધા છે.
સીઓડીના લેટરની મલાડ-કાંદિવલીના અન્ડર-કન્સ્ટ્રક્શન ૧૦૦થી વધારે પ્રોજેક્ટ્સને અસર થાય એમ છે. મલાડ-કાંદિવલીના જે પ્રોજેક્ટ્સ સેન્ટ્રલ ઑર્ડિનન્સ ડેપોથી ૫૦ મીટરની હદમાં હતા એવા પ્રોજેક્ટ્સને જ બાંધકામ માટે પરવાનગી આપવામાં આવતી નહોતી, પણ ૨૩ ડિસેમ્બરના આદેશને લીધે આ લિમિટ ૫૦૦ મીટર થઈ જતાં ઘણા પ્રોજેક્ટને ડિફેન્સમાંથી એનઓસી મળવાનું બંધ થઈ ગયું હતું. જોકે ૨૩ ડિસેમ્બરનો સર્ક્યુલર રદ કરવામાં આવતાં આવા પ્રોજેક્ટ માટે ફરી એક વાર ડેવલપમેન્ટનાં દ્વાર ખૂલી જશે એવું માનવામાં આવતું હતું, પણ સીઓડીએ એના લેટેસ્ટ લેટરમાં ૧૮ મે, ૨૦૧૧ના સર્ક્યુલરને જ આધાર માનવામાં આવશે એવી સ્પષ્ટતા કરી હોવાથી એ બિલ્ડરો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
આ બાબતે ડેપ્યુટી ચીફ એન્જિનિયર (બિલ્ડિંગ પ્રપોઝલ, વેસ્ટર્ન સબર્બ-૨) સી. ડી. ચૌધરીને ‘મિડ-ડે’એ જ્યારે પૂછ્યું કે ‘તમે સીઓડીના લેટરને આધારે કોઈ બિલ્ડરને સ્ટૉપ વર્ક નોટિસ ઇશ્યુ કરી છે?’ એના જવાબમાં તેમણે ‘હું તપાસ કરીને તમને જણાવીશ’ એવું કહ્યું હતું.
જાણીતા આર્કિટેક્ટ અને પ્રૅક્ટિસિંગ એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ ઍન્ડ ટાઉન પ્લાનર્સ અસોસિએશન (ઇન્ડિયા)ના પાસ્ટ પ્રેસિડન્ટ મનોજ દઈસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આમ જોવા જઈએ તો ૨૩ ડિસેમ્બર, ૨૦૨૨ પહેલાં જે રીતે સીઓડીથી ૧૦ મીટરની હદમાં આવેલી પ્રપોઝલને પરવાનગી આપવામાં નહોતી આવતી એ જ ક્રાઇટેરિયા આજે પણ હોવો જોઈએ, પણ આ લોકો નવા સર્ક્યુલર બહાર પાડીને એને પાછા ખેંચી લે છે અને ત્યાર બાદ પોતાની રીતે એનું અર્થઘટન કરે છે. એની શું અસર થાય છે એ વિશે તેમણે વિચારવું જોઈએ.’
ડિફેન્સ મિનિસ્ટ્રીએ સમયાંતરે બહાર પાડેલા સર્ક્યુલરને લીધે શહેરના સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ કાં તો અટકી પડ્યા છે અથવા તો રીડેવલપ થઈ શકે એમ નથી. જોકે એનું સમાધાન લાવવાના આશયથી ગયા વર્ષના ડિસેમ્બરમાં સંરક્ષણ ખાતાએ એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો, જેમાં અમુક લોકો માટે ખુશી અને બીજા અમુક લોકો માટે ગમનો માહોલ સર્જાયો હતો. જોકે આ જ સર્ક્યુલરને સસ્પેન્ડ કરતો નવો આદેશ આ વર્ષના ફેબ્રુઆરીમાં ડિફેન્સ મિનિસ્ટ્રીએ બહાર પાડ્યો હતો.
આ લોકો નવા સર્ક્યુલર બહાર પાડીને એને પાછા ખેંચી લે છે અને ત્યાર બાદ પોતાની રીતે એનું અર્થઘટન કરે છે. એની શું અસર થાય છે એ વિશે તેમણે વિચારવું જોઈએ.’
મનોજ દઈસરિયા, જાણીતા આર્કિટેક્ટ