કેન્દ્રીય કર્મચારીઓ થયા ખુશખુશાલ : સરકારે બે ટકા વધાર્યું મોંઘવારી ભથ્થું

29 March, 2025 01:14 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી અમલી બનશે, બે મહિનાનું ઍરિયર્સ મળશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ગઈ કાલે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી હતી. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં મોંઘવારી ભથ્થું બે ટકા વધારવાની મંજૂરી આપવામાં આવી હતી એટલે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ૫૩ ટકાથી વધીને પંચાવન ટકા થશે. કેન્દ્ર સરકારનું મોંઘવારી ભથ્થું પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી અમલી બનશે. અગાઉ જુલાઈ ૨૦૨૪માં ભથ્થું ત્રણ ટકા વધારવામાં આવ્યું હતું.

મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્રસ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે. એટલે જો બેઝિક પગાર ૫૦,૦૦૦ રૂપિયા હોય તો એના પર હાલ ૨૬,૫૦૦ રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું. હવે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા અર્થાત્ ૨૭,૫૦૦ રૂપિયા મળશે. અર્થાત્ સરકારી કર્મચારીઓના પગારમાં ૧૦૦૦ રૂપિયાનો વધારો થશે. બેઝિક પગાર ૭૦,૦૦૦ રૂપિયા પર મોંઘવારી ભથ્થું ૧૪૦૦ રૂપિયા વધશે, જ્યારે ૧,૦૦,૦૦૦ રૂપિયાના બેઝિક પગાર પર મહિને ૨૦૦૦ રૂપિયાનો વધારો થયો છે.

બે મહિનાનું ઍરિયર્સ મળશે
માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે એટલે બે મહિનાના બાકી પગારને એકસાથે ઉમેરીને માર્ચ મહિનાના પગાર સાથે આપવામાં આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સાથે માર્ચ મહિનાનું મોંઘવારી ભથ્થું પણ પગારમાં ઉમેરીને કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો કોઈ પણ કેન્દ્ર સરકારી કર્મચારીનો મૂળ પગાર ૧૯,૦૦૦ રૂપિયા હોય તો તેને મોંઘવારી ભથ્થા તરીકે ૧૦,૦૭૦ રૂપિયા મળશે. હવે બે ટકાના વધારા બાદ આ ભથ્થું ૧૦,૪૫૦ રૂપિયા થઈ ગયું છે.

national news india indian government delhi