અજિત પવાર ઇન, શરદ પવાર આઉટ

07 February, 2024 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય ચૂંટણી પંચે એનસીપીમાં ભંગાણ થયા બાદ બંને જૂથે પક્ષ અને ચૂંટણીચિહ‍્ન મેળવવા માટે કરેલી અરજીનો ચુકાદો અજિત પવારની તરફેણમાં આપ્યો : શરદ પવાર જૂથને આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં તેમના પક્ષના નામ અને ચિહન માટે અરજી કરવાનો સમય આપ્યો

ગઈ કાલે ચૂંટણીપંચે નિર્ણય આપ્યા બાદ સેલિબ્રેશન કરી રહેલા અજિત પવારના કાર્યકરો.

મહારાષ્ટ્રના રાજકારણમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ચૂંટણી પંચે મહત્ત્વનો ચુકાદો ગઈ કાલે આપ્યો હતો. ચૂંટણી પંચે ગયા વર્ષે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જેવી રીતે શિવસેના અને ચૂંટણીચિહ‍્ન ધનુષબાણ ફાળવ્યાં હતાં એવી જ રીતે ગઈ કાલે એનસીપીના અજિત પવાર જૂથને એનસીપી પક્ષ અને ચૂંટણીચિહ‍્ન ઘડિયાળ ફાળવ્યાં હતાં. શિવસેનાના ઉદાહરણ પરથી આવો ચુકાદો આવવાની અપેક્ષા હતી. એટલે એ મુજબ ચૂંટણી પંચે નિર્ણય જાહેર કર્યો છે. આ ચુકાદાથી શરદ પવાર જૂથને મોટો ફટકો પડ્યો છે. આ જૂથને ચૂંટણી પંચે સ્વતંત્ર માન્યતા આપીને આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં પક્ષ માટે નવું નામ અને ચૂંટણીચિહ‍્ન માટે અરજી કરવાનો સમય આપ્યો છે. તેમની પાસે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ પણ છે. ચૂંટણી પંચમાં બંને જૂથની સુનાવણી ૮ ડિસેમ્બરે પૂરી કરી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્રના રાજકારણમાં ગઈ કાલે સૌથી મોટું અપડેટ આવ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચે એનસીપી પક્ષ અને ચૂંટણીચિહ‍્ન ફાળવવા બાબતે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. ચૂંટણી પંચે એનસીપી પક્ષ અને ચૂંટણીચિહ‍્ન અજિત પવાર જૂથને ફાળવીને શરદ પવારને મોટો ઝટકો આપ્યો હતો. ચૂંટણી પંચના ચુકાદાથી હવે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર રહેશે. શરદ પવાર જૂથને જોકે ચૂંટણી પંચે પક્ષનું બીજું નામ અને ચૂંટણીચિહ‍્ન મેળવવા માટે અરજી કરવા માટે આજે સાંજના ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જો તેઓ અરજી નહીં કરે તો તેમણે આગામી ચૂંટણી અપક્ષ તરીકે લડવી પડશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બીજી જુલાઈએ અજિત પવાર સાથે એનસીપીના આઠ વિધાનસભ્યોએ રાજ્યની બીજેપીના સહયોગથી કાર્યરત એકનાથ શિંદેની આગેવાનીની રાજ્ય સરકારમાં સામેલ થઈને કૅબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. બાદમાં પોતાની સાથે પક્ષના ૪૧ વિધાનસભ્યો હોવાનો દાવો કરીને અજિત પવાર જૂથે શરદ પવારને પક્ષના પ્રમુખપદેથી હટાવી દીધા હતા અને પોતાની કાર્યકા​રિણી બનાવીને ચૂંટણી પંચમાં એનસીપી પક્ષ અને ચૂંટણીચિહ‍્ન ઘડિયાળ માટે દાવો કર્યો હતો. અજિત પવારને પગલે શરદ પવાર જૂથે પણ આવો દાવો સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચમાં કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ મામલો પક્ષનો છે એટલે એ કેન્દ્રીય ચૂંટણી પંચને સોંપ્યો હતો. ચૂંટણી પંચે એનસીપીનાં બંને જૂથના દાવાની સુનાવણી હાથ ધરી હતી, જે ગયા વર્ષે ૮ ડિસેમ્બરે પૂરી કરવામાં આવી હતી અને ચુકાદો મોકૂફ રાખ્યો હતો.

ચૂંટણી પંચે ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથની એનસીપી ​રિયલ હોવાનું જાહેર કર્યું હતું.  શરદ પવાર જૂથને તેમના પક્ષ માટે નવું નામ અને ચિહ્ન મેળવવા માટે અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે ૨૭ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. શરદ પવાર કરતાં અજિત પવાર જૂથ પાસે વિધાનસભ્યોની સંખ્યા વધુ હોવાથી તેમના પક્ષે આ ચુકાદો ગયો હોવાનું ચૂંટણી પંચે ચુકાદામાં જણાવ્યું છે.

પક્ષનું સુકાન અને ઘડિયાળ પોતાને સોંપવામાં આવ્યાં એ વિશે અજિત પવારે કહ્યું હતું કે ‘કેન્દ્રીય ચૂંટણી પંચે આપેલો ચુકાદો હું નમ્રતાપૂર્વક સ્વીકારું છું. ચૂંટણી પંચે અમારા વકીલોએ પુરાવા રજૂ કર્યા છે એ સ્વીકાર્યા છે. હું તેમનો આભારી છું.’

શિવસેનામાં પણ જનપ્રતિનિધિઓની બહુમતીના આધારે જ ચૂંટણી પંચે પક્ષ અને ચૂંટણીચિહ‍્ન એકનાથ શિંદે ફાળવ્યાં હતાં. લગભગ આવી જ સ્થિતિ એનસીપીમાં છે એટલે અજિત પવાર જૂથ પાસેની સંખ્યાના આધારે તેમને જ પક્ષ અને ચિહ‍્ન મળવાની શક્યતા હતી.

૧૫૫ કરોડના મોબાઇલ કૌભાંડનો આરોપ

કૉન્ગ્રેસના વ​રિષ્ઠ નેતા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્યમાં આઠ હજાર કરોડ રૂપિયાનું ઍમ્બ્યુલન્સનું કૌભાંડ ગાજી રહ્યું છે ત્યારે હવે મહાયુતિ સરકારમાં નવું મોબાઇલ કૌભાંડ સામે આવ્યું છે. પોતાની મરજીની કંપનીઓને ૧૫૫ કરોડ રૂપિયાના મોબાઇલ ખરીદવાનો ઑર્ડર આપવાનો સરકારનો ઇરાદો હોવાનું લાગી રહ્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર મત મેળવવા માટે અંત્યોદય યોજનામાં લાભાર્થીઓને સાડી વહેંચશે. આ ગોટાળો પણ ૧૦૦ કરોડ રૂપિયાનો છે. મોબાઇલ આપવાના હોય તો સરકારે આંગણવાડી સેવિકાઓના ખાતામાં રૂપિયા જમા કરવા જોઈએ.આમ કરવાથી ભ્રષ્ટાચાર નહીં થાય. આ સેવિકાઓ પ્રામાણિક છે એટલે સરકારે તેમના પર વિશ્વાસ રાખવો જોઈએ.’

બાબરી ઢાંચાના ધ્વંસની ઈંટ રાજ ઠાકરેને અર્પણ કરાઈ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાળા નાંદગાંવકરે ગઈ કાલે ૩૨ વર્ષ પહેલાં અયોધ્યામાં તોડી પાડવામાં આવેલા બાબરી મસ્જિદના ઢાંચાની ઈંટ રાજ ઠાકરેને ભેટ આપી હતી. રામમંદિરનું નિર્માણ થયા બાદ આ ઈંટ બાળાસાહેબ ઠાકરેને આપવા માટે રાખી હતી. હવે બાળાસાહેબ નથી એટલે તેમના વૈચારિક વારસદાર રાજ ઠાકરે છે એટલે તેમને આ ઈંટ આપી હોવાનું બાળા નાંદગાંવકરે કહ્યું હતું.

બાળા નાંદગાંવકરે આ વિશે કહ્યું હતું કે ‘અયોધ્યામાં શ્રીરામના મંદિરનું નિર્માણ થાય એની હું રાહ જોતો હતો. ૧૯૯૨માં કારસેવા કરતી વખતે બાબરીના ઢાંચાની એક ઈંટ મેં લાવીને રાખી હતી જે બાળાસાહેબને મંદિર બની ગયા બાદ અર્પણ કરવાની મારી ઇચ્છા હતી. બાળાસાહેબ આજે આપણી વચ્ચે નથી રહ્યા, પણ તેમના વૈચારિક વારસદાર રાજ ઠાકરે છે એટલે તેમને મેં આ ઈંટ ભેટ આપવાનો નિર્ણય લીધો હતો. ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે અયોધ્યામાં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો ત્યારે હું કારસેવા કરવા ગયો હતો અને મારી સાથે એક ઈંટ લેતો આવ્યો હતો. એ સમયે મારી સાથે અનેક શિવસૈનિકો પણ હતા. અત્યારે રામમંદિર બની રહ્યું છે એની એક ઈંટ પણ હું રામમંદિર નિર્માણની યાદ તરીકે લાવવા માગું છું.’
રાજસાહેબમાં અમને બાળાસાહેબ દેખાય છે એ વિશે બાળા નાંદગાંવકરે કહ્યું હતું કે ‘એ પ્રસંગને યાદ કરું છું ત્યારે માત્ર જય શ્રીરામના સૂત્રોચ્ચાર કાનમાં અથડાય છે. ૩૨ વર્ષ થયાં, રાજસાહેબમાં અમને બાળાસાહેબ દેખાય છે. ૨૨ જાન્યુઆરીએ રામમંદિર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું અને ૨૩ જાન્યુઆરીએ બાળાસાહેબનો જન્મદિવસ છે. એ સમયે મનમાં શું સૂઝ્યું કે હું બાબરીની કેટલીક ઈંટ મારી સાથે મુંબઈ લાવ્યો હતો. માઝગાવમાં મારી ઑફિસ બાંધવામાં આવી હતી એમાં આમાંની એક ઈંટનો ઉપયોગ કર્યો હતો. બીજી ઈંટ રાજસાહેબને અર્પણ કરી છે.’

રાજ ઠાકરેએ આ વિશે એક્સમાં પોસ્ટ કરીને લખ્યું છે કે ’૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામમંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ હમણાં જ પૂરો થયો છે. તમામ હિન્દુઓનું વર્ષો જૂનું સપનું પૂરું થયું. અયોધ્યામાં રામમંદિર બને એવી બાળાસાહેબ અને લાખો કારસેવકોની તીવ્ર ઇચ્છા હતી, જે પૂરી થઈ છે. આ સંદર્ભે અમારા પક્ષના વરિષ્ઠ સહયોગી બાળા નાંદગાંવકરે મને અયોધ્યામાં કારસેવકોએ જે બાબરી મસ્જિદના ઢાંચાને તોડી પાડ્યો હતો એમાંથી એક ઈંટ મને ભેટ આપી છે. આ ઈંટ વિદેશી આક્રમણ કરનારાઓને અનેક સદી સહન કર્યા બાદ આપેલા જવાબનું પ્રતીક છે એવું મને લાગે છે. આવી જ એક ઈંટ અત્યારે અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામમંદિરની મારા સંગ્રહાલયમાં રાખવાની ઇચ્છા છે. જય શ્રીરામ.’

mumbai news mumbai ajit pawar sharad pawar devendra fadnavis eknath shinde nationalist congress party maharashtra political crisis raj thackeray