24 March, 2025 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ કદમ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં શનિવારે મુંબઈની કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો હતો, જેમાં અભિનેતાએ આત્મહત્યા જ કરી હોવાનું જણાવ્યું છે. આ વિશે ભારતીય જનતા પાર્ટીના ઘાટકોપર-વેસ્ટના વિધાનસભ્ય રામ કદમે ગઈ કાલે કહ્યું હતું કે ‘સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ CBIને સોંપવા માટે આખા દેશે માગણી કરી હતી, પણ ઉદ્ધવ ઠાકરેની સરકારે આ માગણીને અવગણી હતી. બિહારની સરકાર તપાસ કરવા મુંબઈ આવી હતી ત્યારે એને રોકવામાં આવી હતી. કયા કારણથી તપાસ નહોતી કરવા દેવાઈ? બધા પુરાવા નષ્ટ કરીને ઉદ્ધવ ઠાકરેની સરકારને બચાવવા આવું કરવામાં આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના ઘરનું ફર્નિચર હટાવી દેવામાં આવ્યું અને એને નવેસરથી પેઇન્ટ કરીને પાછું મૂકવામાં આવ્યું હતું. આ બધાનો શું મતલબ છે? દિશા સાલિયનના પિતાને કયા કારણથી લાગી રહ્યું છે કે તેમને ન્યાય નહીં મળે. આ બધી બેશરમી ઉદ્ધવ ઠાકરેની સરકાર અને તેમના નજીકના લોકોને બચાવવા માટે કરવામાં આવી. ઉદ્ધવ ઠાકરેની સરકારે એ સમયે કેસ CBIને સોંપ્યો હોત તો સુશાંત સિંહ રાજપૂતના પરિવારને જરૂર ન્યાય મળ્યો હોત. અત્યારે ઉદ્ધવ ઠાકરેની સરકારને કારણે જ ન્યાય નથી મળી રહ્યો.’