13 October, 2022 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેન્ગી-મલેરિયાએ માથું ઊંચક્યું
મુંબઈ ઃ રાજ્ય સરકારે શિયાળામાં કોરોનાના કેસ વધવાની સંભાવના વિશે ચેતવણી આપી છે, પણ હાલ તો પાછોતરા વરસાદમાં ડેન્ગી અને મલેરિયાના કેસ વધી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર પહેલીથી નવમી ઑક્ટોબર સુધીમાં શહેરમાં મલેરિયાના ૧૨૦ અને ડેન્ગીના ૭૮ કેસ નોંધાયા હતા.
સર જે. જે. હૉસ્પિટલના મેડિસિન યુનિટના હેડ ડૉક્ટર મધુકર ગાયકવાડે જણાવ્યું હતું કે ‘ઑક્ટોબરમાં રોજ ડેન્ગીના દસ કેસ આવે છે. ૫૦થી ૬૦ ટકા દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે, કારણ કે તેમના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોય છે. મોટા ભાગના દરદીઓની તાવ, કળતર અને માથું દુખવાની ફરિયાદ હોય છે અને સાજા થતાં ૮થી ૧૪ દિવસ થાય છે. હાલની સીઝન મચ્છરના ઉછેર માટે સાનુકૂળ હોવાથી મચ્છર ઉત્પન્ન ન થાય એની તકેદારી રાખવી જોઈએ.’
નાણાવટી હૉસ્પિટલના ઇન્ટર્નલ મેડિસિન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર રાહુલ તામ્બેએ જણાવ્યું હતું કે ‘છેલ્લા અઠવાડિયે ડેન્ગીના દૈનિક પાંચથી છ કેસ આવતા હતા. દરદી સાતથી આઠ દિવસ ઘરે રહીને સાજા થઈ જાય છે. એમ છતાં, જો લક્ષણ જણાય તો નિદાન અને સારવાર માટે ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.’
કૉર્પોરેશનનાં એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉક્ટર મંગલા ગોમરેએ જણાવ્યું હતું કે ‘લોકોએ તેમની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય. સૌથી અગત્યની વાત એ કે જો લક્ષણો જણાય તો પોતાની જાતે દવા કરવાને બદલે સમય બગાડ્યા વિના કૉર્પોરેશનની ડિસ્પેન્સરી કે હૉસ્પિટલમાં ડૉક્ટરને બતાવવું જોઈએ.’