21 February, 2024 02:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અંધેરીના એક બિઝનેસમૅનને મહિલાને મદદ કરવાનું ભારે પડ્યું હતું. મહિલાએ પહેલાં કેટલાંક કારણો દર્શાવીને મદદની જરૂર છે એમ કહીને બિઝનેસમૅન પાસેથી ૧૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. એ મળ્યા બાદ તેણે પોત પ્રકાશ્યું હતું અને બિઝનેસમૅનને સેક્સ્ટૉર્શનમાં ફસાવીને તેની પાસેથી ૨૫ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. એથી ડરી ગયેલા બિઝનેસમૅને આખરે આ સંદર્ભે આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અંધેરીના આ બિઝનેસમૅનનો આરોપી મહિલાએ પહેલાં નોકરી માટે સંપર્ક કર્યો હતો. એ પછી તેણે બિઝનેસમૅન પાસેથી મદદની જરૂર છે એમ કહીને ૧૫ લાખ રૂપિયા પડાવ્યા હતા.
એ પછી ૨૩ જાન્યુઆરીએ મહિલાએ બિઝનેસમૅનને પોતાના ઘરે બોલાવ્યો હતો અને ત્યાર બાદ તેને ચામાં ઘેનની દવા પીવડાવી બેહોશીમાં તેની સાથેનો અશ્લીલ વાંધાજનક કહી શકાય એવા વિડિયો ઉતારીને તેને બ્લૅકમેઇલ કર્યો હતો. મહિલાએ બિઝનસમૅનને ૧૫ દિવસનો સમય આપ્યો હતો અને તેની પાસેથી ૨૫ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જો ખંડણી ન આપે તો એ વિડિયો બિઝનેસમૅનની પત્ની અને પરિવારને અને અન્યોને મોકલીને તેની બદનામ કરવાની ધમકી આપી હતી. આ ધમકીને કારણે બિઝનેસમૅને આખરે આંબોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મહિલા સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.