24 October, 2024 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગીતા જૈનની રિક્ષાની પાછળ લાગેલું સ્ટિકર.
વિધાનસભ્ય ગીતા જૈનના ભાઈ સુનીલ જૈન વિરુદ્ધ રિક્ષાચાલકોને ગિફ્ટ આપવાના અને પરવાનગી વિના વાહનો પર પ્રચારનાં સ્ટિકર લગાડવાના મામલે ઇલેક્શન કમિશનની ફ્લાઇંગ સ્ક્વૉડે આચારસંહિતાના ભંગનો કેસ મંગળવારે ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં નોંધાવ્યો હતો. ૧૯ ઑક્ટોબરે ભાઈંદરના અગ્રવાલ પાર્કમાં રુદ્ર ફાઉન્ડેશન દ્વારા રિક્ષાચાલકોને ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત મીરા-ભાઈંદરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના જિલ્લાધ્યક્ષ કિશોર શર્માએ સેન્ટ્રલ પાર્કમાં લાડકી બહિણ યોજનાનો કાર્યક્રમ પરવાનગી વગર યોજતાં તેમની સામે પણ મીરા રોડ પોલીસે આચારસંહિતાનો ભંગ કરવાનો કેસ નોંધ્યો છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્યમાં ૧૫ ઑક્ટોબરથી આચારસંહિતા જાહેર કરવામાં આવી છે અને ચૂંટણીની પ્રક્રિયા સારી રીતે પાર પડે એ માટે ચૂંટણી-અધિકારીઓના આદેશથી ફ્લાઇંગ સ્ક્વૉડની રચના કરવામાં આવી છે એમ જણાવતાં ભાઈંદર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯ ઑક્ટોબરે ભાઈંદરના અગ્રવાલ પાર્કમાં રુદ્ર ફાઉન્ડેશન દ્વારા રિક્ષાચાલકોને ભેટ આપવામાં આવી હતી. આની ફ્લાઇંગ સ્ક્વૉડને ફરિયાદ મળી હતી. એ સમયે ફ્લાઇંગ સ્ક્વૉડે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતાં આચારસંહિતાનો ભંગ થયો હોય એવા કોઈ પુરાવા મળ્યા નહોતા. જોકે આ જ કાર્યક્રમનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં રિક્ષાચાલકોને ભેટ આપવામાં આવી હોવાનું અને વિધાનસભ્ય ગીતા જૈનનાં પ્રચાર-સ્ટિકરોનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું. આ સ્ટિકરમાં ‘સક્ષમ મીરા-ભાઈંદર કી યહી પુકાર, ફિર એક બાર ગીતા આમદાર’ એવું લખાણ લખવામાં આવ્યું હતું. એ પછી ફ્લાઇંગ સ્ક્વૉડના સિનિયર ઑફિસર રાજેશ ચવાણે કરેલી ફરિયાદ અનુસાર અમે રુદ્ર ફાઉન્ડેશનના સુનીલ જૈન સામે ફરિયાદ નોંધી હતી.’
મીરા રોડના સેન્ટ્રલ પાર્ક મેદાનમાં ૧૭ ઑક્ટોબરે પરવાનગી વગર લાડકી બહિણ યોજનાના કાર્યક્રમનું આયોજન કરનાર મીરા-ભાઈંદર BJPના જિલ્લાધ્યક્ષ કિશોર શર્મા સામે ફ્લાઇંગ સ્ક્વૉડની ટીમે મંગળવારે મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રોગ્રામનો પણ એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યાર બાદ ફ્લાઇંગ સ્ક્વૉડના અધિકારી વિજય ગાયકવાડે ફરિયાદ નોંધાવી હતી.