બાંદરા-વરલી ‌સી-લિન્ક પર કારનો ટોલ હવે ૧૦૦ રૂપિયા

30 March, 2024 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૮ ટકાનો વધારો: ૧ એપ્રિલથી અમલ

બાંદરા-વરલી સી-લિન્ક

બાંદરા-વરલી સી-લિન્કના ટોલમાં ૧૮ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આ સોમવારથી એટલે કે પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે એમ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)ના અધિકારીએ ગઈ કાલે કહ્યું હતું. MSRDCના પ્રવક્તાના જણાવ્યા મુજબ ૧૮ ટકાના વધારાથી કાર અને જીપચાલકોએ વન-વે પ્રવાસ કરવા માટે અત્યારના ૮૫ રૂપિયાને બદલે પહેલી એપ્રિલથી ૧૫ રૂપિયા વધુ એટલે કે ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. મિની બસ, ટેમ્પો જેવાં વાહનોને ૩૦ રૂપિયા વધુ એટલે કે ૧૬૦ રૂપિયા તો બસ અને ટ્રક માટેના ૧૭૫ રૂપિયાના અત્યારના ટોલ સામે હવે ૨૧૦ રૂપિયા ચૂકવવા પડશે. છેલ્લે ૨૦૨૧ની પહેલી એપ્રિલે ટોલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ટોલવધારો પહેલી એપ્રિલથી ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. રિટર્ન પ્રવાસ અને ડેઇલી પાસ લેનારાઓએ વન-વે પ્રવાસનો અનુક્રમે ૧.૫ અને ૨.૫ ગણો ટોલ ભરવાનો રહેશે. આ સિવાય ૫૦ અને ૧૦૦ ટોલ-કૂપન ઍડ્વાન્સમાં ખરીદી કરનારાઓને અનુક્રમે ૧૦ અને ૨૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

મહાબળેશ્વર જવા પાંચ રૂપિયા વધુ ખર્ચવા પડશે

સમર વેકેશન શરૂ થવાની તૈયારી છે ત્યારે મુંબઈગરાઓના ફેવરિટ હિલ-સ્ટેશન મહાબળેશ્વર અને આસપાસનાં સ્થળોએ વાહન દ્વારા પહોંચવા માટે પાંચ રૂપિયા વધુ ખર્ચવા પડશે. એની પાછળનું કારણ એ છે કે પુણે-સાતારા હાઇવે પરના ખેડ-શિવાપુર ટોલનાકા પર પહેલી એપ્રિલથી ૨.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કાર અને જીપચાલકો પાસેથી અત્યારે ૧૧૫ રૂપિયા ટોલ લેવામાં આવે છે એના પાંચ રૂપિયાના વધારા સાથે સોમવારથી ૧૨૦ રૂપિયા ચૂકવવા પડશે. બસ અને ટ્રકના ટોલમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવતાં હવે ૪૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

mumbai news mumbai maharashtra state road transport corporation atal setu sea link