12 December, 2024 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેમ્બુરની સિંધી સોસાયટીની બહાર કાર પર ધરાશાયી થયેલું વૃક્ષ. (તસવીર : વિરલ ગાંધી)
ચેમ્બુર-ઈસ્ટની સિંધી સોસાયટીના રોડ-નંબર ૧ પર ચેમ્બુર જિમખાનાની બહાર ગઈ કાલે સાંજે અંદાજે સાત વાગ્યે ૫૦ વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ એક કાર પર પડ્યું હતું. એને કારણે કારને નુકસાન થયું હતું. જોકે કાર-ડ્રાઇવર નજીકની સ્કૂલમાં તેના બાળકને લેવા ગયો હોવાથી બચી ગયો હતો.
આ બાબતની માહિતી આપતાં સ્થાનિક રહેવાસી ભરત કામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા રોડ પર મહાનગરપાલિકાની ગટરનું નૂતનીકરણ ચાલી રહ્યું છે. ગઈ કાલે સાંજના નૂતનીકરણ વખતે પીપળાના વૃક્ષનાં મૂળિયાંને નુકસાન પહોંચ્યું હશે, જેને કારણે વૃક્ષ ત્યાં પાર્ક કરવામાં આવેલી કાર પર ધરાશાયી થઈ ગયું હતું. ત્યાર પછી મહાનગરપાલિકાના કૉન્ટ્રૅક્ટરે બે ક્રેન બોલાવીને વૃક્ષને હટાવ્યું હતું. એને કારણે અમારા રોડ પર અંદાજે એક કલાક સુધી ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો.’