પાલઘર નજીક ગુજરાત જતી કારને નડ્યો ગોઝારો અકસ્માત, ટ્રક ચાલકે લીધો ત્રણનો જીવ

06 September, 2023 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બુધવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘરમાં એક કાર રોડ ડિવાઈડર ઓળંગીને ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને બે લોકો ઘાયલ થયા હતા.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બુધવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક કાર રોડ ડિવાઈડર ઓળંગીને ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત (Road Accident)માં ત્રણ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા. 

વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક જયરામ રાણાવરેએ જણાવ્યું હતું કે એક કારમાં પાંચ મુસાફરો જઈ રહ્યા હતા. આ કાર મુંબઈથી ગુજરાતના અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે સતીવલી ગામ નજીક સવારે 6.30 વાગ્યે અકસ્માત થયો હતો.

મળતી માહિતી અનુસાર કાર રોડ ડિવાઈડરને ઓળંગીને બીજી બાજુની લેનમાં પલટાઈ ગઈ હતી અને વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં જે પાંચ લોકો સવારી કરી રહ્યા હતા તેમાંથી ત્રણ લોકોનું તો ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સાથે જ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વાહનને સંપૂર્ણપણે મોટા પાયા પર નુકસાન થયું છે. 

એલર્ટ થયા બાદ સ્થાનિક પોલીસ અને ફાયરના જવાનો ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. જે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

અગાઉ 29 ઓગસ્ટના રોજ પણ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. આ અકસ્માતને કારણે સતત બે કલાક સુધી માર્ગ પરના ટ્રાફિકને અસર થઈ હતી. તેમ જ વાહનવ્યવહાર ખોરવાયો હતો.  પરંતુ પોલીસ પાસેથી જે માહિતી સામે આવી હતી તે મુજબ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ આગના વિકરાળ સ્વરૂપને કારણે ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી. જો કે, આ ટ્રકમાં કઈ વસ્તુ લઈ જવામાં આવી રહી હતી તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નહોતી. જિલ્લા ગ્રામીણ પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રકમાં સવારે 8 વાગ્યે હાઇવે પર મેદવાન નજીક આગ લાગી હતી. આ ટ્રક ગુજરાતથી મુંબઈ તરફ આવી રહી હતી. 

આગની જ્વાળા દેખાયા બાદ ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર સલામતી માટે બહાર કૂદી ગયા હતા. હાઇવેની બંને બાજુએ વાહનોની અવરજવરને થોડા કલાકો સુધી અસર રહી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બોઈસર અને દહાણુ ખાતેની ફાયર ટીમોને એલર્ટ કરવામાં આવી હતી. પરંતુ તેઓ આવે તે પહેલા જ ટ્રક સંપૂર્ણપણે સળગી ગઈ હતી.

ahmedabad palghar road accident mumbai news mumbai