બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ડમ્પરની ટક્કરમાં કૅબ-ડ્રાઇવરનું મોત

17 January, 2025 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોરદાર થયેલી ટક્કરને કારણે સ્ટીઅરિંગ અંદરની તરફ આવી જતાં ડ્રાઇવર સીટ અને સ્ટીઅરિંગ વચ્ચે ફસાઈ ગયો હતો

ડમ્પર કાંદીવલીથી દહિસર તરફ જઈ રહ્યું હતું અને કૅબ દહિસરથી કાંદિવલી તરફ જઈ રહી હતી

બોરીવલી-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર નૅશનલ પાર્ક સામેના બ્રિજ પર બુધવારે મધરાત બાદ સવાબે વાગ્યે થયેલા અકસ્માતમાં ડમ્પરની ટક્કરમાં એક કૅબ-ડ્રાઇવરનું મોત થયું હતું.

કસ્તુરબા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ રણવરેએ કહ્યું હતું કે ‘ડમ્પર કાંદીવલીથી દહિસર તરફ જઈ રહ્યું હતું અને કૅબ દહિસરથી કાંદિવલી તરફ જઈ રહી હતી. ટાયર ફાટતાં ડમ્પર ડિવાઇડર કુદાવીને સામેની લાઇનમાં ચાલ્યું હતું અને સામેથી આવતી કૅબ સાથે જોશભેર અથડાયું હતું. જોરદાર થયેલી ટક્કરને કારણે સ્ટીઅરિંગ અંદરની તરફ આવી જતાં ડ્રાઇવર સીટ અને સ્ટીઅરિંગ વચ્ચે ફસાઈ ગયો હતો. કારમાં ડ્રાઇવર એકલો જ હતો. એ વખતે કારમાં સ્પાર્ક થતાં કારે આગ પકડી લીધી હતી. કાર-ડ્રાઇવરને ત્યાર બાદ કાઢીને હૉસ્પિટલ લઈ જવાયો હતો, પણ વધુ પડતો દાઝી જવાને કારણે તેનું મોત થયું હતું. તે મરોલમાં રહેતો હતો. અમે ડમ્પર-ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’

road accident borivali kandivli western express highway mumbai mumbai news