02 December, 2024 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાયખલામાં આવેલા રાણીબાગમાં પેન્ગ્વિન
મુંબઈના ભાયખલામાં આવેલા રાણીબાગ તરીકે ઓળખાતા વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાનમાં હમ્બોલ્ટ પેન્ગ્વિનની સંખ્યા ૮થી વધીને ૧૮ થઈ ગઈ છે. આમાંથી કેટલાંક પેન્ગ્વિનને ભારતના બીજા ઝૂમાં શિફટ કરવાનો પ્લાન હતો, પણ આ વિદેશી પક્ષીઓની સારસંભાળનો ખર્ચ વધુ આવે છે એટલે કોઈ લેવાલ નથી. આથી હવે રાણીબાગમાં જ બર્ડ ફૅસિલિટી વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાણીબાગમાં ૨૦૧૭માં ૨૫ પેન્ગ્વિન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભવિષ્યમાં આટલી જગ્યા ઓછી પડશે એટલે હવે એમાં વિસ્તાર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. ઝૂના એક અધિકારીએ કહ્યું હતું કે ‘રાણીબાગમાં પેન્ગ્વિનની સંખ્યામાં વધારો થતાં આમાંનાં કેટલાંક પેન્ગ્વિનને શિફ્ટ કરવા માટે હૈદરાબાદ અને ગુજરાતના જૂનાગઢના ઝૂનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે આ બન્ને ઝૂમાંથી કોઈ પૉઝિટિવ જવાબ નથી આપવામાં આવ્યો. અત્યારે પેન્ગ્વિન જ્યાં રાખવામાં આવ્યાં છે એ ૨૦૦૦ ચોરસફીટ જગ્યા છે. આ જગ્યાની પાછળના ભાગમાં ૫૦૦ ચોરસ મીટર જગ્યા જોડવાનો પ્લાન છે.’