ઑગસ્ટના અંત સુધીમાં છેડાનગરનો થાણે તરફનો ફ્લાયઓવર શરૂ થઈ જશે, મોટરિસ્ટોને ઘણી રાહત થશે

18 July, 2024 07:11 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર છેડાનગર એક મહત્ત્વનું જંક્શન છે જ્યાંથી રોજ આશરે ૬૦,૦૦૦ વાહનો પસાર થાય છે.

ફલાયઓવર

ઘાટકોપરમાં છેડાનગર પાસે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર થાણે તરફ જતા મોટરિસ્ટો માટે સારા સમાચાર છે, કારણ કે ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં આ સ્થળે બાંધવામાં આવી રહેલા ફ્લાયઓવરનું કામ પૂરું થઈ જશે અને એ વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવશે. આથી હાલમાં જે ટ્રાફિક જૅમ આ સ્થળે થાય છે એમાંથી મોટરિસ્ટોને રાહત મળશે.

અત્યાર સુધીમાં આ ફ્લાયઓવર બાંધવા માટે ૨૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. હાલમાં સાયન તરફથી આવતા અને થાણે તરફ જતા મોટરિસ્ટોને છેડાનગર જંક્શન પર સવાર અને સાંજના ધસારાના સમયે ટ્રાફિક જૅમના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ છેડાનગર જંક્શન પર સારા ટ્રાફિક મૅનેજમેન્ટ માટે ૨૪૯ કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી આરંભી હતી, એમાં ત્રણ ફ્લાયઓવર અને એક વેહિક્યુલર સબવેનો સમાવેશ છે.

રોજ આ વિસ્તારમાંથી પ્રવાસ કરતા બિઝનેસમૅન જય કોટકે જણાવ્યું હતું કે ‘ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર છેડાનગર એક મહત્ત્વનું જંક્શન છે જ્યાંથી રોજ આશરે ૬૦,૦૦૦ વાહનો પસાર થાય છે. થાણે તરફ જતો ફ્લાયઓવર બની ગયા પછી અહીં ટ્રાફિક જૅમની પરિસ્થિતિમાંથી રાહત ચોક્કસ મળશે. એના કારણે મોટરિસ્ટોનો સમય અને બળતણ પણ બચશે અને ટ્રાફિક જૅમમાંથી છુટકારો પણ મળશે.

mumbai news mumbai thane ghatkopar eastern express highway mumbai traffic