03 January, 2023 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરીન ડ્રાઇવ પર ચાલી રહેલા કોસ્ટલ રોડના કામની ફાઇલ તસવીર
દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઇવથી સીએસએમટી પાસેના ઈસ્ટર્ન ફ્રીવે તરફ જવું હોય તો પીક-અવર્સના ટ્રાફિકમાં ૪૦ મિનિટથી એક કલાકનો સમય લાગી જાય છે. એટલે આ સમય ઘટાડવા માટે પહેલાં ફ્લાયઓવર બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પણ એ રૂટ પર ઘણાં બધાં હેરિટેજ સ્ટ્રક્ચર્સ આવતાં હોવાથી એ શક્ય નહોતું. એટલે હવે એ રૂટ માટે અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. એમએમઆરડીએ આ ટનલ બનાવવાની છે. ૩.૫ કિલોમીટર લાંબી આ ટનલ બનાવવા માટે ૬,૩૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
મૂળ મરીન ડ્રાઇવથી વાયા પ્રિન્સેસ સ્ટ્રીટ ક્રૉફડ માર્કેટ, ત્યાંથી યુટર્ન લઈને જીપીઓ અને ત્યાંથી મિન્ટ રોડ (શહીદ ભગત સિંહ રોડ) અને એ પછી ઈસ્ટર્ન ફ્રીવે સુધી જવામાં બહુ જ સમય લાગે છે. એ સિવાય મરીન ડ્રાઇવથી ચર્ચગેટ, ફાઉન્ટન, સીએસએમટી અને ત્યાંથી જીપીઓ અને શહીદ ભગત સિંહ રોડ એ રૂટ પર પણ ભયંકર ટ્રાફિક જૅમ હોય છે. જો આ ટનલ બને તો આ ટ્રાફિક જૅમમાંથી મુક્તિ મળી શકે એમ છે અને પાંચથી ૧૦ મિનિટમાં જ આ ડિસ્ટન્સ કાપી શકવું શક્ય બનશે.
જોકે મુંબઈમાં પાણીની પાઇપલાઇન, સિવરેજ લાઇન અને અન્ય યુટિલિટી ફૅસિલિટીનું માળખું અન્ડરગ્રાઉન્ડ હોવાથી ટનલ બનાવી શકાય કે નહીં એ સવાલ હતો. જોકે એમએમઆરડીએએ જણાવ્યું છે કે એ માટે પહેલાં ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાયો હતો અને એનું ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમએમઆરડીએએ આ માટેનાં ટેન્ડર શનિવારે બહાર પાડ્યાં છે અને ૩થી ૪ મહિનામાં એનો કૉન્ટ્રૅક્ટ આપી દેવાશે.
કોસ્ટલ રોડથી ઈસ્ટર્ન ફ્રીવે સુધીની આ ટનલમાં બન્ને તરફ બે-બે લેન હશે, આ ટનલ ૪ વર્ષ સુધીમાં તૈયાર કરવાનું હાલ પ્લાનિંગ છે. મરીન ડ્રાઇવ કોસ્ટલ રોડને જોડતી આ ટનલ મેટ્રો-થ્રીના ગ્રાન્ટ રોડ, ગિરગામ અને એસવીપી રોડ સ્ટેશનની નીચેથી પણ પાસ થશે અને આગળ જઈ ઈસ્ટર્ન એક્સપ્રેસ ફ્રીવેની પાસે ખૂલશે, જેનાથી શિવડી ન્હાવા-શેવાને જોડતા ટ્રાન્સ હાર્બર લિન્ક પર પણ જઈ શકાશે અને નવા બની રહેલા ઍરપોર્ટ સુધી પહોંચવું પણ આસાન બની રહેશે. અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનું સ્ટેશન ૨૫થી ૨૭ ફુટ ઊંડું હોય છે, જ્યારે આ ટનલ ૩૦ ફુટ અને એના કરતાં વધુ ઊંડી હશે. આ પ્રોજેક્ટ માટે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પાસેથી કેટલીક જમીન લેવી પડે એમ છે. જોકે એ આપવા માટે મુંબઈ પોર્ટ ટ્રસ્ટે પણ તૈયારી દાખવી છે.
એમએમઆરડીએએનું કહેવું છે કે અમે આ પ્રોજેક્ટ માટે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને હવે એ અમલમાં મુકાઈ રહ્યો છે, અમે આ ટનલ ૪ વર્ષમાં બનાવી લેવાનું ટાર્ગેટ રાખ્યું છે.