29 October, 2024 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈની એક બિઝનેસવુમન સાથે ૯૪ લાખની છેતરપિંડી થતાં તેણે આ સંદર્ભે વાશી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસના ત્રણ આરોપીઓએ ૪૦ વર્ષની એ બિઝનેસવુમનને એવું કહ્યું હતું કે તેની કંપનીને અમરાવતીની કંપની દ્વારા મોટો ઑર્ડર મળી શકે એમ છે, જોકે એ માટે તેણે ફાઇનૅન્સ શો કરવો પડશે. એ પછી ઉકેલરૂપે તે મહિલાને તેની કંપનીની મશીનરી મૉર્ગેજ રાખી એ સામે લોન અપાવવાની તૈયારી દર્શાવાઈ હતી. આરોપીઓએ ત્યાર બાદ મહિન્દ્ર ફાઇનૅન્સમાંથી ૯૪ લાખ રૂપિયાની લોન સૅન્ક્શન કરાવી પણ લીધી અને લોનના એ પૈસા તેમણે જાતે જ રાખી લીધા હતા અને મહિલાને આપ્યા નહોતા. એથી મહિલાએ આ સંદર્ભે વાશી પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની તપાસ કરી રહેલા વાશી પોલીસ-સ્ટેશનના ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં જે આરોપી છે તે બિઝનેસમાં મહિલાનો પાર્ટનર જ હતો. તેમની વચ્ચે વિવાદ થયો હતો અને એ પછી મહિલા દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું બન્યું હતું? છેતરપિંડી થઈ છે કે પછી તેમના આંતરિક ઝઘડાને લઈ આ ફરિયાદ કરાઈ છે એ બાબતે અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’