ગયા અઠવા​ડિયે જન્મ​દિવસ ઊજવ્યો અને આ વીકમાં મોત પણ આવી ગયું

23 May, 2024 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સર્વિસ રોડ પર રૉન્ગ સાઇડથી આવેલા ટેમ્પોએ સ્કૂટીને અડફેટે લેતાં સવારનું થયું મોત

પંચાવન વર્ષના હનુમાન ખરાત

કુર્લામાં રહેતા અને ધારાવીમાં લેધરનાં વૉલેટ બનાવવાની ફૅક્ટરી ધરાવતા પંચાવન વર્ષના હનુમાન ખરાત ગઈ કાલે બપોરે તેમના ઍક્ટિવા પર અંધેરી માલ ડિ​લિવરી કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસવે પર બાંદરા-ખેરવાડી સિગ્નલ પાસે સર્વિસ રોડ પર રૉન્ગ સાઇડમાં સામેથી આવી રહેલા ટેમ્પોએ તેમને અડફેટે લીધા હતા, જેમાં તેમનું કરુણ મોત થયું હતું. ટેમ્પો-ડ્રાઇવરે અકસ્માત કર્યા બાદ ટેમ્પો રોકવાને બદલે ઘટનાસ્થળથી નાસી જવા થોડે સુધી ટેમ્પો ચલાવ્યે રાખ્યો હતો. અંદાજે ૩૦ મીટર સુધી હનુમાન ખરાત તેમની સ્કૂટી સાથે ઘસડાયા હતા. ખેરવાડી પોલીસે આ સંદર્ભે ટેમ્પો-ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.  

ખેરવાડી પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ગઈ કાલે બપોરે સાડાત્રણથી ચાર વાગ્યાની વચ્ચે બન્યો હતો. હનુમાન ખરાતે વાકોલા બ્રિજ ઊતર્યા પછી BKC તરફ જવા ખેરવાડી સિગ્નલથી લેફ્ટમાં સર્વિસ રોડ પર તેમનું સ્કૂટી લીધું હતું. ત્યારે સામેથી રૉન્ગ સાઇડમાં આવી રહેલા ટેમ્પોએ તેમને એડફેટે લીધા હતા. અકસ્માત થતાં જ સ્થાનિક લોકો દોડ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં સાયન હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

અઠવાડિયા પહેલાં જ ૧૫ મેએ જન્મદિન ઊજવીને પંચાવન વર્ષના થયેલા હનુમાન ખરાતના પુત્ર અક્ષયે કહ્યું હતું કે ‘મારા પિતા કાયમ હેલ્મેટ પહેરતા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા. એ ટેમ્પો-ડ્રાઇવરે બે મિનિટનો સમય બચાવવા શૉર્ટકટ લીધો એમાં મારા પિતાને અડફેટે લીધા. તેને કડકમાં સજા થવી જોઈએ અને તેની આખી ​જિંદગી જેલમાં જવી જોઈએ.’  

ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) એમ. રામકુમારે કહ્યું હતું કે ‘રૉન્ગ સાઇડમાં વાહન ચલાવવું એ વાહન ચલાવનાર અને સામેથી આવનાર વાહન એમ બન્ને માટે જોખમી હોય છે. આવો ગુનો કરનારને અમે દંડ નથી કરતા. તેની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ હેઠળ ગુનો નોંધી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધીને કાર્યવાહી કરીએ છીએ.’

road accident western express highway bandra kurla dharavi mumbai mumbai news