વેપારી ઘાટકોપરના, જમીન કચ્છની, પોલીસ મુંદ્રાથી આવી, મહિલાની ધરપકડ મુલુંડમાંથી

18 December, 2024 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખોટા દસ્તાવેજ તૈયાર કરીને જમીન વેચી દેવાનો કેસ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ગુજરાત અને કચ્છમાં મિલકતના બોગસ દસ્તાવેજ તૈયાર કરીને મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે એ માટે હવે તંત્ર ઍક્શનમાં આવ્યું છે અને વિવિધ ટીમ પણ બનાવવામાં આવી છે. થોડા વખત પહેલાં મુંબઈમાં રહેતા ગુજરાતી અને કચ્છી વેપારીઓએ પોતાની જગ્યા ખોટી રીતે વેચાઈ રહી હોવાનો પત્ર ગુજરાતના મુખ્ય પ્રધાનને આપ્યો હતો. ઘાટકોપર-વેસ્ટના માણેકલાલ એસ્ટેટમાં રહેતા ૭૨ વર્ષના હીરજી પટેલની કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલી ૨૫ એકર જમીન પણ ખોટા દસ્તાવેજ તૈયાર કરીને વેચી દેવાઈ હતી. આ રીતે જમીન વેચી મારનાર ગૅન્ગની ૪૯ વર્ષની એક ગુજરાતી મહિલાની કચ્છની મુંદ્રા પોલીસે ત્રણ દિવસ છટકું ગોઠવીને શનિવારે મુલુંડની ચંદનબાગ લેનમાંથી ધરપકડ કરી હતી. આરોપી મહિલાએ જમીન વેચતી વખતે કંકુબહેનના નામે દસ્તાવેજ બનાવી રજિસ્ટ્રાર ઑફિસમાં જઈને દસ્તાવેજ પર સાઇન કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મુદ્દે આ પહેલાં મુંદ્રા પોલીસે મુલુંડમાંથી અજય ઠક્કર નામના એક આરોપીની ધરપકડ કરી હતી.

મલાડના શિવાજીનગરનું ઍડ્રેસ આપીને સાક્ષીદારો અને જમીન વેચનારાઓએ પોતાનાં ખોટાં આધાર કાર્ડ રજિસ્ટ્રાર ઑફિસમાં સબમિટ કર્યાં હતાં એમ જણાવતાં મુંદ્રા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર-વેસ્ટના નરસિંહ મહેતા માર્ગ પરની એક સોસાયટીમાં રહેતા હીરજી પટેલની મુંદ્રા તાલુકામાં મૌજે વડાલા નજીક આવેલી ૨૫ એકર ખેતીની જમીન બોગસ દસ્તાવેજ બનાવીને વેચી મારવામાં આવી હતી. એની પ્રાથમિક તપાસ કચ્છ જિલ્લા જમીન તકેદારી સમિતિએ કરી હતી. એ તપાસમાં જાણવા મળ્યું હતું કે ખરેખર હીરજીભાઈની જમીન ૨૦૨૩ની ૨૩ જૂને રજિસ્ટ્રાર ઑફિસમાં તેમના નામે ખોટા દસ્તાવેજ બનાવીને બીજાને વેચવામાં આવી હતી. તકેદારી સમિતિના રિપોર્ટ અનુસાર અમે જાન્યુઆરી ૨૦૨૪માં આ સંબંધે છેતરપિડીં સહિતની ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ વધુ તપાસ કરવામાં આવતાં જમીન ટ્રાન્સફર કરવા માટે મલાડના ઍડ્રેસ પરનાં તમામ આધાર કાર્ડ સહિત વિટનેસ તરીકે કંકુબહેન શાહે સાઇન કરી હતી. આ સંદર્ભે અમે ખોટા દસ્તાવેજ બનાવી હીરજીભાઈની જમીન વેચનાર અજય ઠક્કરની ધરપકડ કરી હતી. જોકે પછીથી અમે સાક્ષીદાર તરીકે સાઇન કરનાર કંકુબહેનની શોધખોળ હાથ ધરી હતી.’

આરોપી મહિલાને પકડવા માટે અમારી ટીમ ત્રીજી વાર મુંબઈ આવી હતી એમ જણાવતાં મુંદ્રાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઠુમરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહિલા ખૂબ જ હોશિયાર હતી. તેની સામે ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતાં તે મુલુંડનું પોતાનું ઘર છોડીને જતી રહી હતી. અમારી ટીમ જ્યારે ત્રીજી વાર મુંબઈ આવી ત્યારે અમને મહિલાને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ચંદનબાગ નજીક એક બૅન્ક્વેટ હૉલમાં એ મહિલા આવવાની છે એવી માહિતી ટીમને મળતાં અમે છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી. મહિલાએ કોની સાથે મળીને ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા હતા એ ઉપરાંત આમાં કોણ-કોણ સામેલ છે એની માહિતી અમે કઢાવી રહ્યા છીએ.’

ghatkopar mulund gujarat kutch crime news mumbai crime news news mumbai police mumbai mumbai news