મફતલાલ ગ્રુપના બિઝનેસમૅન અતુલ્ય મફતલાલનું ૬૨ વર્ષની વયે અવસાન

09 September, 2022 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૨ વર્ષના અતુલ્ય મફતલાલનું બુધવારે મુંબઈમાં નિદ્રાધીન અવસ્થામાં અવસાન થયું હતું

અતુલ્ય મફતલાલ

યોગિન્દ્ર મફતલાલ બિઝનેસ ફૅમિલીના ૬૨ વર્ષના અતુલ્ય મફતલાલનું બુધવારે મુંબઈમાં નિદ્રાધીન અવસ્થામાં અવસાન થયું હતું. તેમને મૃત હાલતમાં બ્રીચકૅન્ડી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાંથી તેમનો મૃતદેહ ઑટોપ્સી માટે જે. જે. હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અતુલ્યને પ્રથમ પત્ની પાયલ ગિરધરલાલ થકી બે સંતાનો પુત્ર વરુણ અને પુત્રી મરુષ્કા છે. તાજેતરનાં વર્ષોમાં અતુલ્ય તેમનાં બીજા પત્ની સોશ્યલાઇટ શીતલ ભગત અને પરિવારજનો સાથે પારિવારિક સમસ્યાઓ, પ્રૉપર્ટીના હકો તથા પેઇન્ટિંગ્સ અને જ્વેલરી ગુમ થવા જેવા અન્ય પ્રશ્નો પર કાનૂની લડાઈનો સામનો કરી રહ્યા હતા.

યોગિન્દ્ર મફતલાલ ગ્રુપ ટેક્સટાઇલ્સ, ડાયસ્ટફ અને અન્ય કેમિકલ પ્રોડક્ટ્સમાં હાજરી ધરાવતું પ્રખ્યાત બિઝનેસ હાઉસ હતું, પરંતુ ૨૦૦૫માં પરિવારના વડા યોગિન્દ્ર મફતલાલના અવાસન બાદ ગ્રુપની સંપત્તિમાં ઘટાડો થવા લાગ્યો હતો. એ પછી અતુલ્ય ૨૦૦૫માં મફતલાલ ડાય્ઝના એમડી બન્યા હતા.

એ પછી મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ જેવા વૈભવી વિસ્તારમાં આવેલી ૧૦,૦૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલી આલીશાન પૈતૃક પ્રૉપર્ટી મફતલાલ હાઉસ સહિતની પૈતૃક મિલકતો માટે પરિવારજનોમાં વિખવાદ થવા લાગ્યો હતો. અતુલ્યની મોટી બહેન અપર્ણાએ સેક્સ-ચેન્જ કરાવીને અજય નામ ધારણ કર્યું એ ઘટના અખબારોમાં ચમકી હતી.

મતભેદોને પગલે મફતલાલ હાઉસનો એક ભાગ અતુલ્ય અને શીતલે રાખ્યો હતો અને બીજો ભાગ અજય, માતા માધુરી અને અતુલ્યનાં પ્રથમ લગ્ન થકી થયેલાં બાળકોએ મેળવ્યો હતો. ૨૦૧૧માં શીતલે પોતાને નિવાસસ્થાનમાંથી હાંકી કાઢવા બદલ અતુલ્ય, અજય અને માધુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આખરે અતુલ્યએ શીતલને મફતલાલ હાઉસમાં રહેવાની પરવાનગી આપતાં વિવાદનો અંત આવ્યો હતો. ૨૦૧૩માં માધુરીનું અને એના બે વર્ષ પછી અજયનું અવસાન થયું હતું.

mumbai mumbai news