18 November, 2024 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાશીમીરાના પેણકર પાડા રોડ પર રહેતા અને શૅર માર્કેટમાં ટ્રેડિંગનો વ્યવસાય કરતા ૪૭ વર્ષના મહેશ ફુરિયાને બુધવારે રાતે ભાઈંદરની કૅપિટલ હોટેલમાંથી ત્રણ જણે જબરદસ્તી કારમાં બેસાડીને ૪૫,૦૦૦ રૂપિયા લૂંટી લીધા હોવાની ફરિયાદ શનિવારે નવઘર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. મહેશભાઈને જબરદસ્તી કારમાં બેસાડીને આરોપીઓ જોગેશ્વરી લઈ આવ્યા હતા. એ સમયે મહેશભાઈને શ્વાસ લેવામાં તકલીફ થતી જોઈને આરોપીઓ તેમને જોગેશ્વરી હાઇવે પર આવેલી બાળાસાહેબ ઠાકરે ટ્રૉમા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરીને નાસી ગયા હતા. મહેશભાઈને કોણ અને કેમ લઈ ગયા હતા એની તપાસ પોલીસ કરી રહી છે.
વેપારીને હોટેલમાંથી બહાર બોલાવીને જબરદસ્તી કારમાં લઈ જવું એ શૉકિંગ ઘટના છે એમ જણાવતાં નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ધીરજ કોલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે રાતે સાડાઆઠ વાગ્યે મહેશ ભાઈંદર-ઈસ્ટમાં આવેલી કૅપિટલ હોટેલમાં જમવા બેઠો હતો. એ વખતે ત્રણ જણે હોટેલની અંદર આવીને મહેશને બહાર બોલાવ્યો હતો. મહેશે પૂછ્યું કે શું કામ છે બોલો? પણ આરોપીઓ કશું કહ્યા વિના ધમકાવીને તેમને હોટેલની બહાર લઈ ગયા હતા અને ત્યાં ઊભી રખાયેલી સફેદ કારમાં બેસાડીને તેમને જોગેશ્વરી લઈ ગયા હતા. એકાએક બનેલી ઘટનાથી મહેશ ડરી ગયો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. થોડી વાર બાદ જ્યારે મહેશની તબિયત વધુ બગડેલી જોતાં આરોપીઓ તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવીને નાસી ગયા હતા. આરોપીઓએ શા માટે આવું કર્યું હતું એની અમે તપાસ કરી રહ્યા છીએ. હાલમાં મહેશ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે અને તેનું સ્ટેટમેન્ટ અમે નોંધ્યું છે. એક વાર મહેશને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ આગળની તપાસ અમે કરીશું. એ ઉપરાંત જે કારમાં તેને લઈ જવામાં આવ્યો હતો એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’