07 October, 2023 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની સરકારી હૉસ્પિટલોમાં તાજેતરમાં દરદીઓનાં મૃત્યુમાં વધારો જોવા મળ્યો હતો અને ખાનગી હૉસ્પિટલોમાંથી અત્યંત ગંભીર દરદીઓના ભારે પ્રવાહનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટે સામે કહ્યું હતું કે રાજ્ય એની જવાબદારીથી છટકી શકે નહીં.
રાજ્ય સરકારે ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચને જણાવ્યું હતું કે રાજ્ય સંચાલિત હૉસ્પિટલો તરફથી ઘોર બેદરકારી હોવાનું જણાતું નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ૩૦ સપ્ટેમ્બરથી ૪૮ કલાકમાં નાંદેડની ડૉ. શંકરરાવ ચવાણ સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ઘણાં શિશુઓ સહિત ૩૧ દરદીઓનાં મોત થયાં છે, જ્યારે છત્રપતિ સંભાજીનગરની સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૧૮ દરદીઓનાં મૃત્યુ નોંધાયાં છે. બેન્ચે આ અઠવાડિયાની શરૂઆતમાં મૃત્યુ અંગે સુઓ મોટો નોંધ લીધી હતી.
સરકાર તરફથી હાજર રહેલા ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે શુક્રવારે કોર્ટને જણાવ્યું હતું કે ‘દરદીઓ માટે હૉસ્પિટલોમાં જરૂરી તમામ દવાઓ અને અન્ય સાધનો પ્રોટોકૉલ મુજબ ઉપલબ્ધ છે અને એનું સંચાલન કરવામાં આવે છે. મૃત્યુ પામેલા દરદીઓને અન્ય હૉસ્પિટલોમાંથી ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા.’
બેન્ચે એ જાણવાની માગ કરી હતી કે સરકાર જાહેર આરોગ્ય સંભાળને કેવી રીતે મજબૂત કરવાની યોજના ધરાવે છે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘કાગળ પર બધું જ છે, પણ એનો અમલ ન થાય તો કોઈ અર્થ નથી. આ માત્ર દવાઓ અને સાધનો વિશે નથી, પરંતુ મહારાષ્ટ્રમાં આરોગ્ય સંભાળની સ્થિતિ એકદમ સામાન્ય છે. તમે (મહારાષ્ટ્ર સરકાર) બર્ડન હોવાનું કારણ આપીને છટકી ન શકો. તમે રાજ્ય છો. તમે પ્રાઇવેટ સેક્ટર પર જવાબદારી ન નાખી શકો.’
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે રાજ્ય સરકારે સારી નીતિઓ બહાર પાડી છે, પરંતુ એનો અમલ કર્યો નથી. બેન્ચે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની હૉસ્પિટલોમાં મૃત્યુનું કારણ જાણવાની માગ કરી હતી.