31 December, 2022 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને ગતિ મળી રહી છે. મુંબઈના બીકેસીમાં બુલેટ ટ્રેનનું અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. આ કામ ૩,૬૮૧ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.
નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડે (એનએચએસઆરસીએલ) મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડોર માટે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિર્માણ કરવા માટે ૩,૬૮૧ કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કર્યું છે. આ કામ મેળવવા માટે સૌથી ઓછું ટેન્ડર ભરનારી મેઘા એન્જિનિયરિંગ અને એચસીસી નામની કંપનીઓને સંયુક્ત કામ સોંપવામાં આવશે, એમ એનએચએસઆરસીએલના એક અધિકારીએ કહ્યું હતું.
બીકેસીમાં બુલેટ ટ્રેનનું અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે એફકૉન, એલઍન્ડટી, જે. કુમાર વગેરે કંપનીઓએ પણ ટેન્ડર ભર્યાં હતાં. આમાંથી જે કુમારને ડિસ્ક્વૉલિફાય કરી દેવામાં આવી હતી. એફકૉને ૪,૨૧૭ કરોડનું અને એલએન્ડટીએ ૪,૫૯૦ કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું.