હવે થાણે, મીરા-ભાઈંદર અને મુંબઈનાં ગેરકાયદે બાર-પબ પર બુલડોઝર

28 June, 2024 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે થાણે, મીરા-ભાઈંદર અને મુંબઈનાં ગેરકાયદે બાર-પબ પર બુલડોઝર ફરી રહ્યાં છે

ગઈ કાલે થાણેમાં એક ગેરકાયદે બારને તોડી પાડવામાં આવ્યો હતો

પુણેના પોર્શે-કાંડ બાદ સગીર યુવાનો બાર અને પબમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરતા હોવાનું જણાઈ આવતાં પુણેમાં કડક કાર્યવાહી કરવાનું શરૂ થયું છે અને હવે એ થાણે, મીરા-ભાઈંદર અને મુંબઈ સુધી પહોંચી છે. હવે અહીં પણ બુલડોઝર ફરી રહ્યાં છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદએ આ બાબતે થાણે અને મીરા-ભાઈંદરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ-કમિશનરને થાણે અને મીરા-ભાઈંદરને ડ્રગ્સમુક્ત કરવા ગેરકાયદે પબ અને બાર પર કાર્યવાહી કરવાનો તથા ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને એમને ડિમો​લિશ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. ડ્રગ્સને કારણે યુવાનોને મોટું નુકસાન થાય છે એટલે એને રોકવું જરૂરી હોવાથી કડક પગલાં લેવાનું તથા શહેરોને ડ્રગ્સમુક્ત કરવાં જરૂરી હોય એ બધાં જ પગલાં લેવાનું પણ તેમણે કહ્યું છે.  

થાણેમાં મૉડેલા ચેકનાકા, એલબીએસ રોડ, ઘોડબંદર રોડ પર ચિતલસર, માનપાડા, કાપુરબાવડી, કાસરવડવલીમાં બાર અને પબમાં કરાયેલાં ગેરકાયદે બાંધકામો થાણે મ્યુનિ​સિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં. એ વખતે કોઈ વિરોધ ન થાય અને સમસ્યા ન સર્જાય એ માટે TMCના ઑફિસર અને પોલીસ ઑફિસર ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને તેમની દોરવણી હેઠળ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મીરા-ભાઈંદરમાં પણ MTNL રોડ પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. 

thane thane municipal corporation mira road bhayander mira bhayandar municipal corporation eknath shinde mumbai mumbai news