સમૃદ્ધિ એક્સપ્રેસવે પર થયેલા ગમખ્વાર બસ-અકસ્માતના ડ્રાઇવરે દારૂ પીધો હતો

08 July, 2023 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અકસ્માત બાદ ડ્રાઇવર દાનિશની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ ધરપકડ કરાઈ હતી

ફાઇલ તસવીર

નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બુલઢાણા જિલ્લામાં પહેલી જુલાઈએ થયેલા બસ-અકસ્માતમાં ૨૫ મુસાફરોનાં મોત થયાં હતાં. એ કેસની તપાસમાં હવે એવું બહાર આવ્યું છે કે એ બસ ચલાવનાર ડ્રાઇવર દાનિશ શેખ એ વખતે દારૂની અસર હેઠળ હતો. એ અકસ્માતમાં ડ્રાઇવર, ક્લીનર અને અન્ય પ્રવાસીઓ મળીને કુલ આઠ જણ બચી ગયા હતા. અકસ્માત બાદ ડ્રાઇવર દાનિશની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ ધરપકડ કરાઈ હતી.

એક પોલીસ અધિકારીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીએ એના અહેવાલમાં કહ્યું છે કે ડ્રાઇવરનાં જે બ્લડ-સૅમ્પલ લીધાં હતાં એમાં .૩૦ ટકા આલ્કોહૉલ હોવાનું જણાઈ આવ્યું છે. જોકે એ બ્લડ-સૅમ્પલ અકસ્માતના ૧૨થી ૧૩ કલાક બાદ લીધા હોવાથી એની માત્રા અકસ્માતના સમયે વધુ હોય એવું બની શકે છે.’

એ અકસ્માતમાં બચી ગયેલા પ્રવાસીઓનું કહેવું હતું કે પહેલાં બસ ઇલેક્ટ્રિકના થાંભલા સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ ડિવાઇડર સાથે અથડાઈ હતી. એ પછી એ લેફ્ટ સાઇડમાં રોડ પર પટકાઈ હતી, જેને કારણે દરવાજો નીચેની તરફ જતો રહ્યો હોવાથી પ્રવાસીઓ બસમાંથી બહાર નહોતા આવી શક્યા. કેટલાક પ્રવાસીઓ બારીના કાચ તોડીને બહાર આવ્યા હતા. 

samruddhi expressway road accident maharashtra mumbai mumbai news