બોરીવલીના સિનિયર ઇન્સ્પેક્ટર સહિત ત્રણ જણ સામે લાંચની ફરિયાદ

08 February, 2024 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર કાલેકર, પોલીસ-ઇન્સ્પેક્ટર અરવિંદ ઘાગ અને મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સ્વપ્નાલી માંડે સામે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી એ સામે ૨.૨૫ લાખની લાંચ સ્વીકારવા સંદર્ભે ફરિયાદ કરાઈ છે.

લાંચ માટેની પ્રતીકાત્મક તસવીર

બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર કાલેકર, પોલીસ-ઇન્સ્પેક્ટર અરવિંદ ઘાગ અને મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સ્વપ્નાલી માંડે સામે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી એ સામે ૨.૨૫ લાખની લાંચ સ્વીકારવા સંદર્ભે ફરિયાદ કરાઈ છે. ફરિયાદીએ કોર્ટમાં કરેલી અરજીને આધારે આપવામાં આવેલા આદેશ બાદ ૬ ફેબ્રુઆરીએ આ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ કેસની મહિલા ફરિયાદીએ તેની ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના પતિ અને સસરા સામે દાખલ કરેલા ગુના બાબતની તપાસમાં તેને તેનાં લગ્ન વખતનું ૨૭ લાખ રૂપિયાનું સ્ત્રીધન પાછું અપાવવા અને એ કેસમાં આરોપીઓને કડક શિક્ષા મળે એ માટે ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી. બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર કાલેકર, પોલીસ-ઇન્સ્પેક્ટર અરવિંદ ઘાગ અને મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સ્વપ્નાલી માંડે દ્વારા આ લાંચમાંથી ૨,૨૫,૦૦૦ રૂપિયા સ્વીકારાયા હોવાનું પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. એટલે મુંબઈ પોલીસના લાંચરુશવત વિભાગે આરોપીઓ સામે બુધવારે ફરિયાદ નોંધી લાંચરુશવત કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે. હાલ કેસની તપાસ મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર વિદ્યા જાધવ કરી રહ્યાં છે.

mumbai crime news borivali mumbai police Crime News mumbai news mumbai