06 July, 2023 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મધ્ય રેલવે લાઇન પર એક લોકલ ટ્રેન (Mumbai Local Train) પાટા પરથી ઊતરી ગઈ છે. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ ઘટના મુમ્બ્રા રેલવે સ્ટેશન (Mumbai Local Train Derails At Mumbra Station) પાસે બની છે. ટિટવાલા લોકલનો પહેલો કોચ પાટા પરથી ઊતરી ગયો છે, જેના કારણે મધ્ય રેલવેની ડાઉન સાઇડ જતી ધીમી ગતિની લાઇનનો વાહનવ્યવહાર ખોરવાયો છે. જોકે, ઘટનામાં કોઈ નુકસાનની માહિતી નથી, પરંતુ આ ઘટનાને કારણે લોકલ ટ્રાફિક પર મોટી અસર જોવા મળી રહી છે.
સેન્ટ્રલ રેલવે (Central Railway) લાઇન પર ધીમી લોકલનો વાહનવ્યવહાર ખોરવાયો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રાત્રિનો સમય એ ધસારો સમય છે. લાખો નાગરિકો તેમનું કામ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા છે. તે માટે તેઓ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરે છે, પરંતુ આ મુસાફરો માટે અણધાર્યા સમાચાર આવ્યા છે. મુમ્બ્રા રેલવે સ્ટેશન પર આ અણધારી ઘટના બની છે, જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી છે. હવે સેન્ટ્રલ રેલવે દ્વારા વાહનવ્યવહાર પૂર્વવત થયો હોવાની માહિતી આપવામાં આવી છે.
હકીકતે મુમ્બ્રા સ્ટેશન પર ફ્લેટ નં.૧ પર ટિટવાલા જતી ધીમી લોકલ ટ્રેન પ્લેટફોર્મ પર આવી. આ સમયે આ ટ્રેનનો પહેલો કોચ પ્લેટફોર્મની કિનારે અથડાયો હતો. આ ઘટનાને કારણે થોડીવાર માટે ટ્રેનને ત્યાં જ રોકવામાં આવી હતી, જે બાદ રેલવે કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા. ટ્રેનને મુમ્બ્રા પ્લેટફોર્મ નંબર 1 પર 9.20 અને 9.45 કલાકની વચ્ચે રોકવામાં આવી હતી, તેવી માહિતી મધ્ય રેલવેએ ટ્વીટ કરીને આપી છે.
સંબંધિત ઘટનાને કારણે, ટ્રેનો K117 કલ્યાણ સ્લો લોકલ, A57 અંબરનાથ સ્લો લોકલ, DK21 કલ્યાણ સ્લો લોકલ, DL49 ડોમ્બિવલી સ્લો લોકલ, તેવી માહિતી મધ્ય રેલવેએ લોકોને આપી છે.
મધ્ય રેલવેથી પ્રવાસીઓ નારાજ
ગયા મંગળવારે સવારે અંબરનાથમાં રેલવેના મુસાફરોએ ટ્રૅક પર વિરોધ કર્યો હતો, કારણ કે તેમને યાર્ડમાં ગેરકાયદે રીતે લોકલ ટ્રેનમાં ચડવાની મંજૂરી આપવામાં આવી નહોતી. પાછલા એક વર્ષમાં આ પ્રકારનો આ બીજો વિરોધ છે. અગાઉ કલવામાં આવો જ વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધને કારણે સીએસએમટી જતી ટ્રેનો ૧૦ મિનિટ મોડી પડી હતી. સેન્ટ્રલ રેલવે યાર્ડમાં બોર્ડિંગને મંજૂરી નહીં આપવાના એના સ્ટૅન્ડ પર અડગ છે.
એક પ્રવાસીએ આ વર્તણૂકને ગુંડાગીરી ગણાવી હતી. સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સાઇડિંગ અથવા યાર્ડ પરથી ટ્રેનમાં ચડવું અસુરક્ષિત હોવાથી તેથી એને મંજૂરી નથી. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્લૅટફૉર્મ પરથી જ ટ્રેનમાં ચડે.’