04 July, 2022 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાંદરપાડા મેટ્રો સ્ટેશનની છત પરથી ટપકતું પાણી ભરવા માટે નીચે ડોલ મૂકવામાં આવી છે
તાજેતરમાં ખુલ્લી મૂકવામાં આવેલી મેટ્રોલાઇન-૭ અને ૨-એની છતમાંથી પાણી ટપકવા માંડ્યું છે એવી ફરિયાદ સાથે એક પ્રવાસીએ ‘મિડ-ડે’ને રૂટ પરના સ્ટેશન અને કમ્પાર્ટમેન્ટની અંદરના લીકેજના ફોટો મોકલ્યા હતા.
દહિસર અને આરે વચ્ચેની મેટ્રો લાઇન-૭ અને દહિસરથી દહાણુકરવાડીને જોડતી મેટ્રોલાઇન-૨-એના પ્રથમ તબક્કાનું બીજી એપ્રિલે ઉદ્ઘાટન થયું હતું. એ શરૂ થયાને હજી માંડ ત્રણ મહિના થયા છે ત્યાં બાંધકામમાં રહી ગયેલી ખામી સામે આવી ગઈ છે.
અસિતા કૌશિક નામની એક પ્રવાસીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ મેટ્રો કૉરિડોર રોડ ટ્રાવેલની તુલનાએ જલદી પ્રવાસ કરવા માટે ઉપયોગી છે, પણ મારો અનુભવ સારો નથી રહ્યો. સ્ટેશનની સાથે-સાથે મેટ્રો ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં પણ પાણી લીક થતું જોવા મળ્યું.’
અસિતાએ સાંજે પોણાઆઠ વાગ્યે આરેથી કાંદરપાડા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી એ દરમ્યાન વરસાદ પડી રહ્યો હતો અને એ વખતે અંદરના લી કેજને કારણે ફ્લોર પર પાણી પ્રસરેલું હતું. કાંદરપાડા પહોંચીને તે બહાર જવા નીકળી ત્યારે સ્ટેશન પર ટપકતું પાણી ભરવા માટે મૂકેલી ડોલ પર તેની નજર પડી હતી. ઑથોરિટીએ સ્ટેશન પર અને ટ્રેનની અંદર આ સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે ભીના ફ્લોરથી પ્રવાસીઓ લપસી શકે છે અને ઘાયલ થઈ શકે છે એમ તેણે ઉમેર્યું હતું.
એમએમઆરડીએના અધિકારીઓએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.