12 February, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોકિલાબેન હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી શ્રુતિ જોષી
કાંદિવલીની ૨૧ વર્ષની કચ્છી સારસ્વત બ્રાહ્મણ શ્રુતિ જયેશ જોષી બ્રેઇન ઍન્યુરિઝમની દરદી છે અને અત્યારે અંધેરીની કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઈ રહી છે. તેને ઇમર્જન્સીમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ડૉક્ટરોએ તેને સારવારનો ૧૦થી ૧૨ લાખ રૂપિયાનો ખર્ચ કહ્યો હતો, પરંતુ ત્યાર બાદ કૉમ્પ્લિકેશન વધી જતાં અત્યારે તેની સારવારનો ખર્ચ ૨૭ લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આથી શ્રુતિની સારવાર માટે તેના પરિવારને અર્જન્ટ મેડિકલ હેલ્પની જરૂર છે.
આ બાબતની માહિતી આપતાં શ્રુતિના પપ્પા જયેશ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવાર, ૨૭ જાન્યુઆરીએ અચાનક રાતના બે વાગ્યાની આસપાસ શ્રુતિની તબિયત બગડી હતી. તરત જ તેને કાંદિવલીની નમઃ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં એમઆરઆઇના રિપોર્ટમાં શ્રુતિને બ્રેઇન ઍન્યુરિઝમ હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું.’
આ સંજોગોમાં અર્જન્ટમાં ઑપરેશન કરવાની જરૂર હતી એમ જણાવતાં જયેશ જોષીએ કહ્યું હતું કે ‘ઑપરેશન જરૂરી હોવાથી શ્રુતિને રવિવાર, ૨૮ જાન્યુઆરીએ અંધેરીની કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં શિફ્ટ કરી હતી. ત્યાં સોમવારે તેનું ઇન્ટરવેન્શનલ ન્યુરોલૉજિસ્ટ ડૉક્ટર મનીષ શ્રીવાસ્તવ અને ફંગલ સ્પેશ્યલિસ્ટ ડૉ. શાલમલી માદમની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરી હતી. હવે ડૉક્ટરે તેનો સારવારનો ખર્ચ અંદાજે ૨૭ લાખ રૂપિયા કહ્યો છે અને ડિસ્ચાર્જ બાદની સારવાર અને દવાનો ખર્ચ પણ ઘણો છે. મારી મધ્યમ પરિસ્થિતિ હોવાથી મારે શ્રુતિની સારવાર માટે દાતાઓની સહાય લેવાનો સમય આવ્યો છે.’
શ્રુતિના મેડિક્લેમમાં બોનસ સાથે ફક્ત સાડાસાત લાખ રૂપિયાની કૅપેસિટી છે એટલે મને સહાયની અર્જન્ટ જરૂર ઊભી થઈ છે એમ જયેશ જોષીએ કહ્યું હતું કે ‘મારી મુખ્યમંત્રી રાહત ફન્ડ, અન્ય સંસ્થાઓ તથા દાતાઓને નમ્ર વિનંતી કે આપ મને મારી દીકરીની મેડિકલ ટ્રીટમેન્ટ માટે તમારા તરફથી હૉસ્પિટલના અને મારા બૅન્ક-અકાઉન્ટમાં આર્થિક સહાયની રકમ મોકલીને એનો સ્ક્રીનશૉટ મારા વૉટ્સઍપ નંબર 98199 12911, ત્રિભુવન જોષીના મોબાઇલ નંબર 98215 49888 અથવા દીપક જોશીના મોબાઇલ નંબર 87795 57997 પર મોકલી આપશો.’