મંદિરમાં દર્શન કરવા ગયેલાં ગુજરાતી મહિલાએ અઢી લાખ રૂપિયાની ચેઇન ગુમાવી

23 July, 2024 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરિયાદ તેમણે મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ (MHB) પોલીસ-સ્ટેશને નોંધાવી હતી.

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી-ઈસ્ટમાં યોગી વિહાર સોસાયટીમાં રહેતાં ૬૮ વર્ષનાં હેમાંગિની દવે રવિવારે સવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે નજીકના યોગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયાં ત્યારે તેમની અઢી લાખ રૂપિયાની ચેઇન લૂંટાઈ હોવાની ફરિયાદ તેમણે મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ (MHB) પોલીસ-સ્ટેશને નોંધાવી હતી. ગુરુપૂર્ણિમા હોવાથી મંદિરમાં ભક્તોની ભીડ હોવાથી ચેઇન ચોરાઈ જવાના ડરથી હેમાંગિનીબહેને પોતાની ચેઇન ગળામાંથી કાઢીને પર્સમાં મૂકી દીધી હતી. જ્યારે તેઓ મંદિરમાં પૂજા માટે હાર-ફૂલ લઈ રહ્યાં હતાં અને ચેઇન મૂકેલું પર્સ ફૂલવાળાને આપી રહ્યાં હતાં ત્યારે તેમનું પર્સ એક યુવક ઝૂંટવીને બાઇક પર નાસી ગયો હતો.

હેમાંગિનીબહેન વહેલી સવારે ૬.૧૫ વાગ્યે મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં એમ જણાવતાં MHB પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે તેઓ દર્શન કરવા મંદિર ગયાં ત્યારે ભક્તોની ખાસ્સી ભીડ હતી એટલે ચોરીની શક્યતા જણાતાં તેમણે પહેરેલી સોનાની ચેઇન કાઢીને પર્સમાં મૂકી દીધી હતી અને મંદિરની સામે હાર-ફૂલ લેવા ગયાં હતાં. તેઓ પોતાનું ચેઇન ભરેલું પર્સ હારવિક્રેતાને સાચવવા માટે આપવા ગયાં ત્યારે બાજુમાં ઊભેલો યુવક હેમાંગિનીબહેનની સામે જ એ પર્સ ઉપાડીને તેના સાથી સાથે બાઇક પર નાસી ગયો હતો. આ ઘટના બાદ તેઓ ખૂબ ડરી ગયાં હતાં. થોડી વાર પછી તેમણે અમારી પાસે ૩૫ ગ્રામની સોનાની ચેઇન લૂંટાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.’

borivali Crime News mumbai crime news mumbai mumbai news