08 February, 2024 08:27 AM IST | Mumbai | Prasun Choudhari
બોરીવલીમાં એસ.વી. રોડ પર ૨૨ જાન્યુઆરીએ હૉકર્સ નહોતા, પણ ગઈ કાલે ફરી તેમણે અડિંગો જમાવ્યો હતો: નિમેશ દવે
‘મિડ-ડે’એ ૨૨ જાન્યુઆરીએ રામોત્સવના દિવસે બોરીવલી-વેસ્ટમાં ત્રણ સ્થળની મુલાકાત લીધી ત્યારે એક પણ ફેરિયો જોવા મળ્યો નહોતો ને રામરાજ આવ્યું હોવાનું લાગ્યું હતું, પરંતુ ગઈ કાલે ‘મિડ-ડે’ ત્યાં પહોંચ્યું તો જોયું કે તેમણે મોટી સંખ્યામાં રસ્તા પર ફરી અડ્ડો જમાવ્યો છે
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ૨૨ જાન્યુઆરીએ બોરીવલીના રસ્તાઓ ચોખ્ખાચણક હતા અને એક પણ ફેરિયો દેખાતો નહોતો. રહેવાસીઓએ વિચાર્યું કે આ રામરાજનો ઉદય થયો છે, પરંતુ તેમની નારાજગી વચ્ચે ફેરિયાઓ પાછા આવી ગયા હતા. નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને ફેરિયાઓના દૂષણનો અંત ન લાવવા બદલ બીએમસીના આર–સેન્ટ્રલ વૉર્ડને જવાબદાર ગણ્યો હતો.
‘મિડ-ડે’એ બોરીવલી-વેસ્ટમાં ત્રણ સ્થળની મુલાકાત ૨૨ ડિસેમ્બરે લીધી ત્યારે એક પણ ફેરિયો જોવા મળ્યો નહોતો, પરંતુ સાતમી ફેબ્રુઆરીએ આ વિસ્તારોની ફરી મુલાકાત લીધી ત્યારે ફેરિયાઓ મોટી સંખ્યામાં પાછા આવ્યા હતા અને રસ્તાઓ પર અવરોધ સર્જી પોતપોતાનો માલસામાન વેચતા હતા.
ખુલ્લી જગ્યા ધરાવતા રસ્તાઓ પર ફળ અને શાકભાજી વેચતા ફેરિયાઓ હંમેશાં અતિક્રમણ કરે છે અને વાહનોનું પસાર થવું મુશ્કેલ બને છે એમ શ્રેયસ શિંદે નામના રહેવાસીએ જણાવ્યું હતું.
ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરની બહાર પણ ફાસ્ટ-ફૂડ વેચતા ફેરિયાઓ છે જેઓ અવરોધ સર્જે છે. દહિસરથી કાંદિવલી આવતાં વાહનોને આ સ્થળે પારાવાર મુશ્કલી પડે છે. મલાડના મિહિર જોશી નામના રહેવાસીએ જણાવ્યું હતું કે કે હું સપ્તાહમાં ત્રણ વાર બોરીવલી આવું છું, પરંતુ પાછા ફરવામાં હંમેશાં મુશ્કેલી પડે છે.
ઓમ જ્વેલર્સથી બોરીવલી સ્ટેશન તરફ જતા રસ્તા પર અનેક દુકાનો છે. તેઓ બૂટ-ચંપલ, બૅગ વગેરે વેચે છે અને સમગ્ર રસ્તાને અવરોધે છે. બોરીવલીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ ત્રણેય સ્થળોએ હંમેશાં ભારે ટ્રાફિક રહે છે.
આર-સેન્ટ્રલ વૉર્ડનાં અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંધ્યા નાંદેકરે જણાવ્યું હતું કે ગેરકાયદે ફેરિયાઓ અને કામચલાઉ દુકાનો સામે અમે રોજ પગલાં લઈએ છીએ.