18 May, 2023 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોરીવલી જીઆરપીએ મર્ડરના આરોપીને ૧૨ કલાકમાં ઝડપી લીધો હતો.
મુંબઈ ઃ બોરીવલી રેલવે પોલીસે નવી મુંબઈના નેરુળમાં સેક્ટર નંબર-૨૦માં રહેતા ૨૬ વર્ષના સંદેશ પાટીલની હત્યાનો કેસ ૧૨ જ કલાકમાં ઉકેલી નાખ્યો હતો. ૧૫ મેએ સંદેશનો મૃતદેહ રામમંદિર અને જોગેશ્વરી રેલવે સ્ટેશન વચ્ચેના થાંભલા નંબર ૨૪/૦૫ પાસેથી મળી આવ્યો હતો. જોકે મૃતદેહ પાસેથી પોલીસને તપાસ દરમ્યાન લોહીવાળો પથ્થર અને પાકીટ તથા ઓળખપત્ર મળ્યાં હતાં, પરંતુ મોબાઇલ
નહોતો મળ્યો એથી આ અકસ્માત
નહીં પણ મર્ડર હોવાની ખાતરી પોલીસને થઈ હતી અને એ દિશામાં તપાસ હાથ ધરતાં પોલીસે તેની પ્રેમિકાના એક્સ-બૉયફ્રેન્ડને ઝડપી લીધો હતો.
બોરીવલી રેલવે પોલીસ હમાલની મદદથી રેલવે-ટ્રૅક પર મળી આવેલો મૃતદેહ શતાબ્દી હૉસ્પિટલ લઈ ગઈ હતી. બોરીવલી પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી અને તપાસ ટીમ દ્વારા ઘટનાસ્થળની તપાસ કર્યા બાદ ત્યાંથી લોહીના ડાઘવાળો એક પથ્થર મળ્યો હતો. એ પથ્થરના ઘા યુવકના ચહેરા પર કરવામાં આવ્યા હોવાનું જણાયું હતું. પોલીસે ખાતરી કર્યા બાદ તપાસ હાથ ધરી હતી. પોલીસ-તપાસ દરમ્યાન મૃત્યુ પામનાર યુવક જોગેશ્વરી-ઈસ્ટમાં આવેલી એચડીએફસી બૅન્કમાં છેલ્લા એક વર્ષથી કૉન્ટ્રૅક્ટ પર કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ બૅન્કમાં તેની ઓળખાણ એક યુવતી સાથે થઈ હતી અને તેમની વચ્ચે પ્રેમ હોવાનું જણાયું હતું. પોલીસે બૅન્કના અન્ય કર્મચારીઓની પૂછપરછ કરતાં જાણ થઈ કે તે યુવતીનો એ જ બૅન્કમાં કામ કરતા અને ગોરેગામમાં રહેતા છુટકન સાફી સાથે પહેલાં પ્રેમ હતો. પોલીસે આ યુવતીનો મોબાઇલ ટ્રેસ કરીને માહિતી મેળવી હતી. એ પછી પોલીસે કેસની તપાસ કરવા ત્રણ જુદી ટીમ તૈયાર કરી હતી અને મરનાર યુવક જ્યાં કામ કરતો હતો એ બૅન્કથી લઈને ઘટનાસ્થળ વચ્ચેના માર્ગ પર આવતા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. છુટકન સાફી આ ઘટનાની સાંજે મરનાર યુવક સાથે ફરતો હોવાનું ફુટેજમાં જોવા મળ્યું હતું. એ પછી પોલીસે છુટકનની પૂછપરછ કરી હતી. સઘન પૂછપરછ દરમ્યાન તેણે મર્ડર કર્યું હોવાનું કબૂલ્યું હતું. સંદેશનો આરોપીની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે પ્રેમ હોવાથી સંદેશ માટે તેના મનમાં ગુસ્સો હતો એટલે બદલો લેવા એ દિવસે સંદેશને બૅન્કમાંથી છૂટીને ઘટનાસ્થળે લઈ ગયો હતો અને તેના માથામાં પથ્થરના ઘા માર્યા હતા.
બોરીવલી રેલવે જીઆરપીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૫ વર્ષના આરોપી છુટકન સાફીએ ડેડ-બૉડીને જોગેશ્વરી રેલવે યાર્ડ પાસે રેલવે-ટ્રૅક પર ફેંકી દીધી હતી, જેથી બધાને લાગે કે સંદેશ ટ્રેનની અડફેટમાં આવી ગયો હશે. મૃતદેહ પાસેથી પોલીસને એક ઓળખપત્ર અને પાકીટ મળ્યું હતું, પરંતુ સંદેશ પાટીલનો મોબાઇલ નહોતો મળ્યો એટલે પોલીસને શંકા ગઈ કે તેના મૃત્યુ વખતે તેની સાથે અન્ય કોઈક હતું. નેરુળનો રહેવાસી સંદેશ પણ એ જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, જ્યાં આરોપી કામ કરતો હતો. આરોપીએ કબૂલ્યું હતું કે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ જે બૅન્કમાં છે એ જ ડિપાર્ટમેન્ટમાં તે પણ કામ કરે છે. યુવતીએ થોડા દિવસ પહેલાં તેની સાથે બ્રેકઅપ કર્યું હતું અને સંદેશને ડેટ કરવાનું શરૂ કર્યું હતું એથી ગુસ્સે ભરાયેલા છુટકને તેને પાઠ ભણાવાનું નક્કી કર્યું હતું, જેમાં તેણે સંદેશનું મર્ડર કર્યું હતું. ઘર અને કાર્યસ્થળનું સરનામું મેળવ્યા પછી અમે તેના મૃત્યુ પહેલાં તેને છેલ્લે કોણે જોયો એ શોધવા માટે અનેક સ્થળોની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. અમને સંદેશના ફોનનો કૉલ ડેટા રેકૉર્ડ મળ્યો અને તે સોમવારે રાતે ૯ વાગ્યે ઑફિસથી નીકળી ગયો હતો, પરંતુ ઘરે પહોંચ્યો નહોતો. અમે આરોપીને ગઈ કાલે કોર્ટમાં રજૂ કર્યો હતો. તેને ૨૨ મે સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે.’