બાઇકચોરી કરતી ટોળકી ઝડપાઈ: ૧૦ બાઇક રિકવર કરવામાં આવી

28 February, 2024 07:43 AM IST  |  Mumbai | Samiullah Khan

ત્રણેય આરોપીઓ દસ્તાવેજો મેળવવા ઑક્શન સાઇટ પર વાહનો માટે બિડિંગ કરતા અને એનો ઉપયોગ ચોરી કરેલી બાઇક વેચવા માટે કરતા

સીસીટીવી ફુટેજમાં આરોપીઓ બાઇક ચોરતાં ઝડપાઈ ગયા હતા.

ઑક્શન પ્લૅટફૉર્મ પરથી મેળવેલા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ચોરેલી બાઇક માર્કેટમાં વેચી નાખતી ત્રણ વ્યક્તિની બોરીવલી પોલીસે ધરપકડ કરી હતી. ગયા અઠવાડિયે બોરીવલી પોલીસની એક ટીમને પૅટ્રોલિંગ દરમ્યાન ત્રણ શખસો શંકાસ્પદ વર્તન કરતા જોવા મળ્યા હતા. પોલીસ એમાંના બેની ધરપકડ કરવામાં સફળ રહી હતી, જ્યારે એક વ્યક્તિ ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી અને બાદમાં તેને પણ પકડવામાં આવી હતી.આરોપીઓની ઓળખ મિલિંદ સાવંત, અરવિંદ ગડકરી અને યશ કોઠારી તરીકે થઈ છે. મિલિંદ સાવંત સામે બાઇકચોરીના ૨૦થી વધુ કેસ નોંધાયેલા છે, જ્યારે યશ કોઠારી પર ૧૪ અને અરવિંદ ગડકરી પર ત્રણ કેસ છે.

મિલિંદ સાવંતે ઑક્શન બિડિંગ પ્લૅટફૉર્મ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે વાહનો માટે બિડિંગ કરતો હતો. તે એજન્ટો દ્વારા હરાજી માટે મૂકવામાં આવેલી બાઇકની આરસી બુક અને અન્ય સંબંધિત દસ્તાવેજોની વિનંતી કરતો અને પછી એ દસ્તાવેજો અને બાઇક નંબરનો ઉપયોગ કરીને ચોરેલી બાઇક સસ્તામાં બજારમાં વેચતો હતો. તેણે ચોરેલી ચાર બાઇક બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને પુણેમાં સેલ માટે મૂકી હતી. મિલિંદ સાવંતને કોઈ બાયર મળે એ પહેલાં જ તે પકડાઈ ગયો હતો.

બોરીવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે બોરીવલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાઇકચોરીના બે કેસ સૉલ્વ કર્યા છે અને બાકીના કુરાર, વિક્રોલી, દિંડોશી, વાકોલા, એમઆઇડીસી અને કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના છે. અત્યાર સુધીમાં અમે તેમના કબજામાંથી ૧૦ બાઇક રિકવર કરી છે. આરોપીઓ બાઇકચોરીમાં નિષ્ણાત છે અને આંખના પલકારામાં કોઈ પણ બાઇકનું લૉક સરળતાથી તોડી શકે છે. મુલુંડ અને અન્ય વિસ્તારોમાં તેમના દ્વારા ચોરીની ઘટના કૅમેરામાં કેદ થઈ છે.’

ડીસીપી આનંદ ભોઇટે અને સિનિયર ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઇન્દ્રજિત પાટીલ અને તેમની ડિટેક્શન ટીમે આ ટોળકીનો પર્દાફાશ કર્યો હતો અને બાઇકચોરીના ૧૦ કેસ સૉલ્વ કર્યા હતા. 

mumbai news mumbai borivali mumbai police mumbai crime news