15 September, 2023 11:00 AM IST | Mumbai | Bakulesh Trivedi
બોરીવલી-વેસ્ટના શ્રી ઓમ ગીતાંજલિ નગર પરનો હવે સાવ ખાલી પ્લૉટ જેના રીડેવલપમેન્ટ સામે પ્રશ્નાર્થ છે
બોરીવલી-વેસ્ટના શ્રી ઓમ ગીતાંજલિ નગરનું એક બિલ્ડિંગ તૂટી પડ્યું એ પછી બાકીનાં મકાન પણ તોડાયાં અને હવે એ વાતને એક વર્ષથી ઉપર થઈ ગયું, પણ રીડેવલપમેન્ટની વાત આગળ જ નથી વધી : આને કારણે ૧૩ ઇમારતની સેંકડો ફૅમિલી પરવડી ન શકે એવાં ભાડાં આપીને સમય કાઢી રહી છે અને તેમનું ભવિષ્ય હજી અંધકારમય છે
બોરીવલી-વેસ્ટના શ્રી ઓમ ગીતાંજલિ નગરનું ‘એ’ નંબરનું બિલ્ડિંગ ૨૦૨૨ની ૧૯ ઑગસ્ટે બપોરે તૂટી પડ્યું હતું. એ પછી ૧૩ મહિના થવા આવ્યા છતાં બિલ્ડિંગના રીડેવલપમેન્ટનું કોકડું ગૂંચવાયેલું જ છે અને એના રહેવાસીઓ દર મહિને ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયાનું ભાડું ભરી આજુબાજુના વિસ્તારમાં રહે છે. ત્યાર પછી કૉમ્પ્લેક્સનાં અન્ય મકાનો પણ તૂટી ગયાં છે અને તેઓ પણ રીડેવલપમેન્ટની રાહ જોઈ રહ્યા છે, પણ વાત આગળ વધી નથી રહી અને તેમની હાલત ઠેરની ઠેર છે. નવાં મકાન બનશે? બનશે તો ક્યારે? શું અમને અમારાં ઘરમાં રહેવા મળશે? એવી ચિંતા તેમને સતત સતાવી રહી છે.
શ્રી ઓમ ગીતાંજલિ નગરનાં ‘એ’, બી-વન, બી-ટૂ અને બી-થ્રી મળી ચાર બિલ્ડિંગની એક જ સોસાયટી હતી, જ્યારે ‘સી’નાં ૯ બિલ્ડિંગ છે. ‘સી-વન’થી ‘સી-નાઇન’ જેમની અલગ સોસાયટી છે. આમાં ‘એ’ તથા ‘બી’ના ચાર બિલ્ડિંગના ૩૮ તેમ જ ‘સી’ના નવ બિલ્ડિંગના ૧૮૦ પરિવાર એમ કુલ ૨૧૮ ફેમિલી હાલ બેઘર છે. ૧૯૭૧માં તત્કાલીન મુખ્ય પ્રધાન વસતંદાદા પાટીલના હસ્તે બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું હતું. જોકે વર્ષો જતાં મકાનની હાલત કથળવા માંડી હતી અને આખરે રીડેવલપમેન્ટ માટેનો નિર્ણય લેવાયો હતો. જોકે એ રીડેવલપમેન્ટમાં જાય એ પહેલાં જ ‘એ’ બિલ્ડિંગ ૧૯ ઑગસ્ટે બપોરે ૧૨.૩૦ વાગ્યે તૂટી પડ્યું હતું. જોકે મકાન જૂનું થઈ ગયું હોવાથી મોટા ભાગના રહેવાસીઓ પહેલેથી જ અન્યત્ર રહેવા ચાલ્યા ગયા હતા, જ્યારે ચારથી પાંચ પરિવાર એમાં રહેતા હતા. જોકે મકાન તૂટી પડે એ પહેલાં જ એમાંથી માટી ખરવા માંડતાં લોકો ચેતી ગયા હતા અને બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા એેથી કોઈને ઈજા તો નહોતી થઈ, પણ વર્ષોથી જે ઘરમાં રહેતા હતા એ ઘર નજરની સામે કડડડભૂસ થતાં લોકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
હાલની પરિસ્થિતિ બાબતે માહિતી આપતાં એ બિલ્ડિંગના સેક્રેટરી ચંદ્રકાન્ત આરલેકરે કહ્યું કે ‘અમારાં ‘એ’ અને ‘બી’ બિલ્ડિંગના રીડેવલપમેન્ટ માટે ૨૦૧૪થી જલારામ સંસ્કૃતિ નિર્માણ બિલ્ડર સાથે વાટાઘાટો ચાલી રહી હતી અને એમઓયુ પણ થયો હતો. સૌથી પહેલાં બિલ્ડર દ્વારા ૪૫ ટકા વધુ જગ્યા આપવાનું નક્કી થયું હતું, પણ ત્યાર બાદ પરિસ્થિતિ બદલાતી રહી અને મકાન તૂટી પડ્યા બાદ અમે તબક્કાવાર એ ઘટાડી ૩૫ ટકા પર પણ ઍગ્રી થઈ ગયા છીએ. જોકે એમ છતાં અમારું ડેવલપમેન્ટ ઍગ્રીમેન્ટ સાઇન નથી થઈ રહ્યું. હવે ક્યારે થશે એ વિશે પણ કોઈ ચોક્કસ માહિતી નથી. એ જ રીતે ‘સી’ બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ કરવા લોઢા બિલ્ડર આગળ આવ્યા હતા અને એ ૯ મકાનો પણ તોડી પડાયાં છે, પણ એમનું કામ પણ અટકી ગયું છે. હાલ આખો પ્લૉટ ખાલી છે, પણ કામ ક્યારે થશે? ક્યારે પૂરું થશે? જગ્યા મળશે કે નહીં? એવા સવાલના જવાબ અધ્ધરતાલ છે. શું થશે એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી. અમે રહેવાસીઓ છેલ્લા એક વર્ષથી આ જ વિસ્તારમાં અમારા ખિસ્સામાંથી ૩૦થી ૩૫ હજાર રૂપિયા ભાડું ભરી રહ્યા છીએ. આમ અમારી ખરેખરની કસોટી થઈ રહી છે.’