17 December, 2022 11:34 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાં રહેતા એક પરિવારના ઘરે ગણપતિબાપ્પાની સજાવટ માટે ભેગા કરેલા ૬.૬૩ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ દાગીનાનો ઉપયોગ પરિવાર દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની મૂર્તિની સજાવટ માટે કરતો હતો. બાપ્પાની મૂર્તિના વિસર્જન પછી એ દાગીના પાછા ઘરે રાખી દેવાતા હતા. ફરિયાદી પરિવારે ઘરે કૅરટેકર તરીકે કામ કરતા યુવક પર આરોપ મૂકીને ફરિયાદ નોંધાવી હોવાનું બોરીવલી પોલીસે જણાવ્યું હતું.
બોરીવલી-વેસ્ટના પોઇસરમાં રામબાગ લેનમાં આવેલી સુંદરધામ સોસાયટીમાં રહેતા ધનંજય કેળુશકરે કરેલી ફરિયાદ પ્રમાણે તેઓ વર્ષોથી પરેલમાં આવેલા ઘરે ગણેશોત્સવ ઊજવે છે. ત્યાં આખો પરિવાર ભેગો થઈને બાપ્પાની પૂજા અને ભજન કરતો હોય છે. ગણપતિબાપ્પાની સજાવટ માટે દાદા ધર્માજી અને પિતા આનંદ કેળુશકરે વર્ષોથી દાગીના ભેગા કર્યા હતા. એમાં સોનાનું કર્ણફૂલ, બુટ્ટી, હાર, મુગટ અને બંગડીની સાથે બીજા કેટલાક દાગીના બાપ્પાની સજાવટ માટે બનાવ્યા હતા, જેની કુલ કિંમત ૬.૬૩ લાખ રૂપિયા હતી. આ દાગીના ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની સજાવટ માટે વાપરીને પાછા ઘરે લોખંડની પેટીમાં રાખવામાં આવતા હતા. આ વર્ષે ૨૫ ઑગસ્ટે પિતાનું મૃત્યુ થવાથી ગણેશોત્સવનું આયોજન તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું નહોતું એટલે તમામ દાગીના પેટીમાં જ રાખવામાં આવ્યા હતા. ૨૦ નવેમ્બરે દાગીનાની પેટી કોઈ કારણસર ખોલવામાં આવી ત્યારે તમામ દાગીના ગાયબ હતા. એ પછી ઘરમાં શોધતાં દાગીનાની કોઈ માહિતી ન મળતાં પરિવારના સભ્યોએ પહેલાં ઘરમાં તપાસ કરી હતી. એમાં મૃત પિતાની દેખરેખ માટે રાખેલા કૅરટેકર શનિદેવ જગતાપ પર શંકા આવી હતી. એ શંકાના આધારે આ ઘટનાની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ ઝગાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. હજી સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.’
બીજા એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં ફરિયાદી પરિવારે ઘરમાં કામ કરતા કૅરટેકર પર શંકા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તેની અમે તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક માહિતીના આધારે આ કામ ઘરની કોઈ વ્યક્તિએ કર્યું હોય એવું લાગી રહ્યું છે.’
‘મિડ-ડે’એ ફરિયાદી ધનંજય કેળુશકરનો આ ઘટના વિશે માહિતી મેળવવા માટે સંપર્ક કરતાં તેમણે હાલમાં કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.