05 September, 2024 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બોરીવલીના ગોરાઈમાં રહેતા ૭૦ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝનને ફિનલૅન્ડની એક અગ્રણી કંપનીમાં નોકરી અપાવવાના નામે સાઇબર ગઠિયાઓએ તેમની સાથે ૭,૨૬,૦૩૩ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મંગળવારે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. સિનિયર સિટિઝનને વિશ્વાસમાં લેવા સાઇબર ગઠિયાઓએ ફિનલૅન્ડની એક કંપનીના નામે ખોટો જૉબ ઑફર લેટર મોકલ્યા બાદ વર્ક પરમિટ, ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ, ફિનલૅન્ડની બૅન્કમાં ખાતું ખોલવા તેમ જ એ બૅન્ક-ખાતાને ભારતના બૅન્ક-ખાતા સાથે લિન્ક કરવા માટે ધીરે-ધીરે બે મહિનામાં પૈસા લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફિનલૅન્ડમાં નોકરી મેળવવા અને ત્યાં જઈને સ્થાયી થવાની લાલચમાં સિનિયર સિટિઝને પોતાના ગ્રાફિક ડિઝાઇનર પુત્રની તમામ બચત ગુમાવી દીધી છે એમ જણાવતાં બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતી સિનિયર સિટિઝને પોતાનો રેઝ્યુમે નોકરીડૉટકૉમ, લિન્ક્ડઇન અને સાઇન જેવા ઑનલાઇન જૉબ પોર્ટલ પર થોડા વખત પહેલાં અપલોડ કર્યો હતો. એ દરમ્યાન ત્રીજી જુલાઈએ સાંજે તેમના ઈ-મેઇલ પર એક મેઇલ આવી હતી, જેમાં ફિનલૅન્ડની એક ફૂડ કંપનીમાં નોકરી ઑફર કરવામાં આવી હતી. એની સાથે અપડેટ કરેલો બાયોડેટા મોકલવાની વિનંતી કરવામાં આવી હતી. એની સામે સિનિયર સિટિઝને સારી તક જોઈને પોતાનો બાયોડેટા મોકલી આપ્યો હતો. થોડા સમય પછી એક અજાણી વ્યક્તિએ તેમની સાથે અંગ્રેજીમાં વાતચીત શરૂ કરીને પોતાનો પરિચય એ કંપનીના રિસોર્સ મૅનેજર તરીકે આપીને સિનિયર સિટિઝનનો ફોન પર જ ઇન્ટરવ્યુ લઈને તેમને પાસ કરી દીધા હતા. ત્યાર બાદ ઑગસ્ટની શરૂઆતમાં સિનિયર સિટિઝનને નોકરી માટે ઑફર લેટરની PDF ફાઇલ મોકલીને ઍગ્રીમેન્ટ લેટરના દસ્તાવેજો મેઇલ પર મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ વીઝા માટે અમુક દસ્તાવેજો તેમની પાસેથી મગાવીને વર્ક પરમિટ, ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ, ફિનલૅન્ડની બૅન્કમાં ખાતું ખોલવા તેમ જ એ બૅન્ક-ખાતાને ભારતના બૅન્ક-ખાતા સાથે લિન્ક કરવા માટે ૧૫ ઑગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધીમાં ૭,૨૬,૦૩૩ રૂપિયા અલગ-અલગ બૅન્ક-ખાતામાં લેવામાં આવ્યા હતા. એની સામે સિનિયર સિટિઝનને વીઝા કે પછી ટિકિટો કહેવા પ્રમાણે ઘરે ડિલિવર ન થતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેમણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. સાઇબર છેતરપિંડીમાં ગયેલા તમામ પૈસા સિનિયર સિટિઝનના દીકરાના ખાતામાંથી ગયા છે જેમાં તેણે પોતાની તમામ બચત ગુમાવી દીધી હોવાની માહિતી અમને મળી છે. આ કેસમાં અમે વધુમાં વધુ પૈસા રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’