14 May, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાં રહેતા અને અંધેરીમાં ઑફિસ ધરાવતા ૪૫ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) વિષ્ણુકુમાર અગ્રવાલ બુધવારે સાંજે ઑફિસથી ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બે લોકોએ તેમની કારમાં જબરદસ્તી પ્રવેશી ગળા પર ચાકુ રાખીને ૬૦ લાખ રૂપિયા લૂંટી લીધા હતા. આ ઘટનાની ફરિયાદ સમતાનગર પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવતાં પોલીસે આ કેસમાં માસ્ટર-માઇન્ડ વિષ્ણુકુમારના ડ્રાઇવર સાગર પવાર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી લૂંટની તમામ રકમ પણ જપ્ત કરી છે.
ફરિયાદી વિષ્ણુકુમાર આ ઘટનાથી ગંભીર રીતે ડરી ગયા હોવાથી ત્રણ દિવસ પછી અમારી પાસે ફરિયાદ કરવા આવ્યા હતા એમ જણાવતાં સમતાનગર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સંતોષ ગંગાપુરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલી-ઈસ્ટમાં રહેતા CA વિષ્ણુકુમાર અગ્રવાલ ૮ મેએ રાતે સાડાઆઠ વાગ્યે પોતાની કારમાં અંધેરી ઑફિસથી ઘરે આવવા નીકળ્યા હતા. કાર ડ્રાઇવર સાગર પવાર ચલાવી રહ્યો હતો. સાડાનવ વાગ્યે તેણે કાંદિવલી-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર નાઇન્ટી ફીટ રોડ સિગ્નલ પર કાર ઊભી રાખી હતી. એટલામાં બે માણસો કારમાં બળજબરીથી ઘૂસીને પાછળની સીટ પર બેસી ગયા હતા અને ડ્રાઇવર સાગરને લાફો મારીને કાર સીધી ચલાવતા રહેવા માટે કહ્યું હતું. દહિસર તરફ કાર વધી ત્યારે બાજુમાં બેસેલા એક માણસે ચાકુ બતાવી વિષ્ણુકુમારને ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શું જોઈએ છે એમ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. વિષ્ણુકુમારે આટલી મોટી રકમ આપી ન શકતા હોવાનું કહેતાં તેઓ ૬૦ લાખ રૂપિયામાં માન્યા હતા. એ પૈસા લેવા માટે આરોપીઓ તેમના ઘરે ગયા હતા અને પૈસા લીધા બાદ ડ્રાઇવર સાગરને રાહેજા સર્કલથી યુ-ટર્ન લઈને ડાબી લેનમાં જવા કહી કારમાંથી નીચે ઉતારી પોતે અંધારાનો ફાયદો ઉઠાવીને પલાયન થઈ ગયા હતા વિષ્ણુકુમાર આ ઘટનાથી ખૂબ ડરી ગયા હોવાથી આ ઘટનાની ફરિયાદ અમારી પાસે ૧૨ મેએ સાંજે નોંધાવી હતી.’
ફરિયાદીએ બેથી ત્રણ દિવસ આ ઘટના વિશે બારીકાઈથી વિચાર્યું ત્યારે માલૂમ થયું કે ડ્રાઇવર પણ તેમની સાથે ભળેલો છે એમ જણાવતાં પોલીસ-ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ‘આ ઘટના બાદ ડ્રાઇવર ફરિયાદીના ઘરે ગયો નહોતો અને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો એટલું જ નહીં, તેણે આ પહેલાં બેથી ત્રણ વાર માલિકના ઘરમાં ચોરી પણ કરી હતી. અમે એટલે ડ્રાઇવર સાગર પવારની ધરપકડ કરીને તેની તપાસ કરતાં તેણે કબૂલ કર્યું હતું કે તેણે તેના મિત્રો મંગેશ કારન્ડે અને કિરણ ભોસલે સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેને ખબર હતી કે માલિકના ઘરે એટલા મોટા પ્રમાણમાં રોકડ હોય છે.’