મલાડ સ્ટેશન પર આજથી બોરીવલી તરફની સ્લો ટ્રેનો નવા પ્લૅટફૉર્મ પર ઊભી રહેશે

01 September, 2024 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશોત્સવના ૧૦ દિવસને બાદ કરતાં ૩૫ દિવસ બ્લૉક લેવામાં આવશે

મલાડ સ્ટેશન પર વેસ્ટ સાઇડમાં બાંધવામાં આવેલું નવું પ્લૅટફૉર્મ. (તસવીર- સતેજ શિંદે)

વેસ્ટર્ન રેલવેમાં ગોરેગામથી બોરીવલી સુધી છઠ્ઠી રેલવેલાઇન નાખવાના પ્રોજેક્ટમાં મલાડ સ્ટેશન પર નવું પ્લૅટફૉર્મ બનાવવામાં આવ્યું છે. ગઈ કાલે રાતના ૧૦ વાગ્યાથી આજે સવારના આઠ વાગ્યા દરમ્યાન લેવામાં આવેલા બ્લૉકમાં મલાડ-વેસ્ટ સાઇડમાં બનાવવામાં આવેલા નવા પ્લૅટફૉર્મ પર ટ્રેનો ઊભી રાખવામાં આવશે. આ ફેરફારને લીધે ચર્ચગેટથી બોરીવલી તરફની ટ્રેનોમાં ચડવા-ઊતરવા માટે ડાબી બાજુની જગ્યાએ જમણી તરફ પ્લૅટફૉર્મ આવશે.

આવતા અઠવાડિયે એટલે કે આઠમી સપ્ટેમ્બરથી બોરીવલીથી ચર્ચગેટ તરફની ટ્રેનોમાં ચડવા-ઊતરવા માટે અત્યારે ડાબી બાજુ પ્લૅટફૉર્મ આવે છે એની જગ્યાએ જમણી બાજુએ પ્લૅટફૉર્મ આવશે. બાવીસ સપ્ટેમ્બરથી ચર્ચગેટથી વિરાર તરફની ફાસ્ટ લાઇનમાં અત્યારે મલાડમાં ડાબી તરફ પ્લૅટફૉર્મ આવે છે એની જગ્યાએ જમણી બાજુએ આવશે. ૨૯ સપ્ટેમ્બરથી વિરારથી ચર્ચગેટ તરફની ફાસ્ટ લાઇનમાં અત્યારે મલાડમાં ડાબી તરફ પ્લૅટફૉર્મ આવે છે એની જગ્યાએ જમણી બાજુએ આવશે.

ગોરેગામથી કાંદિવલી વચ્ચે ૩૫ દિવસનો બ્લૉક

ગોરેગામથી બોરીવલી સુધી છઠ્ઠી રેલવેલાઇન નાખવાના પ્રોજેક્ટમાં આ મહિનામાં ગોરેગામથી કાંદિવલી સુધીનું ૪.૫ કિલોમીટર લંબાઈનું કામ દર શનિવારે અને રવિવારે કરવામાં આવી રહ્યું છે. ગણેશોત્સવના ૧૦ દિવસને બાદ કરતાં ૩૫ દિવસ બ્લૉક લેવામાં આવશે જેમાં મલાડનાં પ્લૅટફૉર્મના નંબર એક-એક કરીને બદલવામાં આવશે.

western railway malad borivali mumbai local train mumbai trains