તમારા સંતાનને મોબાઇલમાં ગેમ રમવાનું ગાંડપણ નથીને?

13 November, 2022 12:06 PM IST  |  Mumbai | Mehul Jethva

જો હોય તો સાવચેત થઈ જજો : ફ્રી ફાયર ગેમ રમતી બોરીવલીની ૧૬ વર્ષની ટીનેજર મોબાઇલ-મિત્રને મળવા ઘરમાં કોઈને કહ્યા વગર પુણે પહોંચી ગઈ, પણ ત્યાં મિત્ર ન મળતાં તે સ્ટેશન પર જ બેસી રહી અને પોલીસે બચાવી

પ્રતીકાત્મક તસવીર

બોરીવલીમાં રહેતી ૧૬ વર્ષની ટીનેજર સોમવારે સાંજે મિત્ર પાસેથી બુક લઈને આવવાનું કહીને ઘરે પાછી ફરી નહોતી. આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી શોધ કર્યા પછી પણ તેની કોઈ ભાળ ન મળતાં અંતે પરિવારે એમએચબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક ટીમ બનાવીને ટીનેજરની શોધ શરૂ કરી હતી. દરમ્યાન પુણે રેલવે સ્ટેશન પરથી ટીનેજર પોલીસને મળી આવી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે ફ્રી ફાયર ગેમમાં મળેલા એક મિત્રને મળવા માટે તે પુણે આવી હતી, પણ તેનો મિત્ર મળ્યો નહોતો એટલે તે પુણે રેલવે સ્ટેશન પર આવીને બેસી ગઈ હતી.

બોરીવલીમાં એલ. એમ. રોડ પર રહેતી અને એસએસસીમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની ટીનેજર સોમવારે સાંજે છ વાગ્યે ઘરેથી પોતાના મિત્ર પાસેથી સ્કૂલની બુક લેવા માટે જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. રાતે નવ વાગ્યા સુધી તે ઘરે પાછી ફરી નહોતી એટલે પરિવારના સભ્યોએ તેના મોબાઇલ પર અનેક ફોન કર્યા હતા, પણ તેણે ઉપાડ્યા નહોતા. ત્યાર બાદ તેનો મોબાઇલ બંધ થઈ ગયો હતો. પરિવારના સભ્યોએ તેની આસપાસના વિસ્તારો, ગાર્ડન, માર્કેટ વિસ્તાર, તેના મિત્રોના ઘરે તેમ જ તેની સ્કૂલની આજુબાજુ શોધ કરી હતી, પરંતુ કિશોરીની કોઈ માહિતી નહોતી મ‍ળી. અંતે તેમણે એમએચબી પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની માહિતી આપીને ફરિયાદ નોંધાવી હતી.

એમએચબી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી સબ-ઇન્સ્પેક્ટર બશીર શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ અમારી પાસે આવતાં અમે તરત એક ટીમ તૈયાર કરીને ટીનેજરની શોધ શરૂ કરી હતી. એ સમયે તેનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો હતો. વધુ શોધ કરતાં ટીનેજર પુણે રેલવે સ્ટેશન પર હોવાનું જાણવા મળતાં અમે તરત પુણે પહોંચી ટીનેજરને શોધીને તેના પરિવારને સોંપી હતી. ટીનેજરે અમને કહ્યું હતું કે ફ્રી ફાયર ગેમમાં તેની મિત્રતા એક યુવક સાથે થઈ હતી, જેણે તેને મળવા માટે પુણે બોલાવી હતી. એટલે તેને મળવા માટે તે ઘરમાં કોઈને પણ જણાવ્યા વિના પુણે પહોંચી ગઈ હતી.’

બાળકો પર થતી સોશ્યલ મીડિયાની અસર વિશે વધુ માહિતી મેળવવા ‘મિડ-ડે’એ મનોચિકિત્સક હરીશ શેટ્ટી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘૧૬ વર્ષની ઉંમરનાં બાળકોમાં ઇમ્પલ્સિવિટી મોટા પ્રમાણમાં હોય છે એટલે બાળકો વિચાર્યા વગરનાં કામ પહેલાં કરતાં હોય છે. ટીનેજરના પરિવારે તેનું કાઉન્સેલિંગ કરાવવું જરૂરી છે જેથી તેના માઇન્ડમાં ફરતા વિચારો બંધ થઈ જશે. બાળકો આજે મોટા પ્રમાણમાં સોશ્યલ મીડિયા પર પોતાનો સમય કાઢે છે. એની પાછળનું કારણ એવું છે કે પરિવારના સભ્યો બાળકો સાથે પોતાનો સમય નથી વિતાવતા. આવું ન થાય એ માટે પરિવારના સભ્યોએ બાળકો સાથે સમય વિતાવવો જોઈએ, જેથી તેનું ધ્યાન સોશ્યલ મીડિયા તરફ ઓછું જશે.’ 

mumbai mumbai news borivali pune mehul jethva