03 March, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ અને માંડવા વચ્ચે આવી રો-રો ફેરી સર્વિસ અત્યારે ઑપરેશનલ છે.
મુંબઈથી બાય રોડ ગોવા પહોંચતાં ૧૨ કલાક જેટલો સમય લાગી જાય છે ત્યારે એક નવો વિકલ્પ ઓપન થવા જઈ રહ્યો છે. રોલ ઑન રોલ ઑૅફ (રો-રો) ફેરી સર્વિસમાં બૉમ્બે-ટુ-ગોવા દરિયાઈ માર્ગે માત્ર સાડાછ કલાકમાં પહોંચી શકાશે અને એમાં પોતાની કાર પણ લઈ જવાશે. અત્યારે આ પ્રકારની મુંબઈ-માંડવા રો-રો ફેરી સર્વિસ ચાલે જ છે. એ ચલાવનાર M2M કંપની દ્વારા જ બૉમ્બે-ટુ-ગોવા રો-રો માટે ડિરેક્ટર જનરલ ઑફ શિપિંગ અને અન્ય એજન્સીઓની પરવાનગી લેવા પ્રોસીજર ચાલુ કરવામાં આવી છે.
કંપની દ્વારા મુંબઈના માઝગાવથી ગોવાના મોર્મુગાવ પોર્ટ ઑથોરિટી સુધીની ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવશે. આ માટે ઇટલીથી એક ૧૫ વર્ષ જૂનું જહાજ ખરીદવામાં આવ્યું છે જેમાં એકસાથે ૬૨૦ પૅસેન્જર અને ૬૦ કાર પ્રવાસ કરી શકશે. કંપની દ્વારા તેમને ગોવાની પણજી જેટી પર જહાજ લાંગરવાની પરવાનગી માગવામાં આવી છે. પરવાનગી મળતાં જ ટૂંક સમયમાં કંપની દ્વારા એનું ભાડું પણ નક્કી થશે.
આવી જ રો-રો સર્વિસ ગુજરાતમાં દહેજ (ભરૂચ)થી ઘોઘા (ભાવનગર) વચ્ચે ચલાવાય છે, જે હવે સુરતના હજીરા પોર્ટથી ઘોઘા માટે પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.