16 November, 2024 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચ સમક્ષ એક વિચિત્ર કેસ આવ્યો હતો જેમાં એક મહિલાએ પોતાના પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદી મહિલાનો પક્ષ સાંભળ્યા બાદ હાઈ કોર્ટે પણ તેના પતિને નીચલી અદાલતે કરેલી ૧૦ વર્ષની સજા કાયમ રાખી હતી.
આ કેસમાં ફરિયાદી મહિલા અને તેનો પતિ પાડોશી હતાં અને બન્ને એકમેક સાથે પ્રેમ કરતાં હતાં. પૈસાની તંગીને લીધે આ યુવતી એ સમયે બાજુના ગામમાં કામ કરવા જતી હતી ત્યારે એક દિવસ આરોપી તેને બાઇક પર ઘરે લઈ આવવાનું કહીને અન્ય જગ્યાએ લઈ ગયો અને ઇચ્છા વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારે આ યુવતી સગીર હતી. જોકે તે પ્રેગ્નન્ટ થઈ જતાં આરોપીએ અમુક પાડોશીઓની હાજરીમાં તેની સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ મજબૂરીનાં આ લગ્ન હોવાથી થોડા જ દિવસમાં તેણે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું અને પીડિતાને ગર્ભપાત કરાવવા જોર-જબરદસ્તી કરતો હતો. તેનું કહેવું હતું કે આ બાળક બીજા કોઈ પુરુષનું છે.
આ બધાથી કંટાળીને ૨૦૧૯માં પીડિતાએ પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આરોપીનું કહેવું હતું કે તેમની વચ્ચે સંમતિથી શારીરિક સંબંધ બંધાયો હતો અને ફરિયાદી તેની પત્ની હોવાથી બળાત્કારનો ગુનો બનતો જ નથી.
જોકે ન્યાયમૂર્તિએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે જ્યારે આ સંબંધ બાંધવામાં આવ્યો હતો ત્યારે પીડિતા સગીર હોવાથી તે પત્ની હોય તો પણ તેને બળાત્કાર જ કહેવાય.
DNA ટેસ્ટમાં પણ આ બાળક તેમનું જ હોવાનું પુરવાર થયું હતું.