હાઈ કોર્ટે બુલડાણામાં રસ્તા પર સારવાર લઈ રહેલા દરદીઓની નોંધ લઈને સરકારને ઍફિડેવિટ દાખલ કરવા કહ્યું

24 February, 2024 07:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્થાનિક મંદિરમાંથી મીઠાઈ ખાધા બાદ આ લોકોને ફૂડ પૉઇઝનિંગ થયું હતું

રસ્તા પર સારવાર લઈ રહેલા ફૂડ પૉઇઝનિંગના શિકાર દરદીઓ

બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લામાં હૉસ્પિટલની બહાર રસ્તા પર સારવાર લઈ રહેલા ફૂડ પૉઇઝનિંગના શિકાર દરદીઓની નોંધ લઈને સરકાર પાસેથી ઍફિડેવિટ માગ્યું હતી. સરકારી વકીલ પી. પી. કાકડેએ ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે ‘હૉસ્પિટલમાં માત્ર ૩૦ બેડની ક્ષમતા છે અને આશરે ૧૫૦ વ્યક્તિએ અસ્વસ્થતા અને પેટની સમસ્યાની ફરિયાદ કરી છે. સ્થાનિક મંદિરમાંથી મીઠાઈ ખાધા બાદ આ લોકોને ફૂડ પૉઇઝનિંગ થયું હતું. હૉસ્પિટલની ક્ષમતા માત્ર ૩૦ની હતી, પરંતુ તેમની પાસે પૂરતો સ્ટાફ અને દવાઓ હતાં. દરદીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. તેમની હાલત ગંભીર નહોતી. અમે હૉસ્પિટલની અંદર તેમની સારવાર કરી શક્યા નહોતા એટલે તેમની સારવાર બહાર કરવામાં આવી હતી.’
ચીફ જસ્ટિસ ઉપાધ્યાયે પૂછ્યું હતું કે ‘આ ઘટના બની ત્યાંથી જિલ્લા હૉ​સ્પિટલ કેટલી દૂર છે? જો કોઈ દરદી ગંભીર રીતે પીડાતો હોય અને તેને તાત્કાલિક દવાની જરૂર પડે તો?’ 
બેન્ચે સરકારી વકીલ કાકડેને આ વિગતો સબમિટ કરતી ઍફિડેવિટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને દસ દિવસ પછી આ મામલાને વધુ સુનાવણી માટે રાખ્યો હતો.

mumbai news mumbai bombay high court