17 December, 2024 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદાણીને ઇલેક્ટ્રિસિટીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રુપને થર્મલ અને રિન્યુએબલ પાવર ઇલેક્ટ્રિસિટી આપવાનો જે કૉન્ટ્રૅક્ટ કર્યો છે એમાં ભ્રષ્ટાચાર થયો છે એવો આક્ષેપ કરીને કરવામાં આવેલી જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી છે.
કોર્ટે કહ્યું છે કે અરજીમાં કરાયેલા આક્ષેપ સંદર્ભે કોઈ પુરાવા કે સંબંધિત ડૉક્યુમેન્ટ્સ જોડવામાં આવ્યા નથી. જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ પણ બહુ અસ્પષ્ટ છે. કોર્ટે આ સંદર્ભે અરજદારને મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથૉરિટીને ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનું કહ્યું છે.
અરજદાર શ્રીરાજ નાગેશ્વર એપ્પુરવારે અરજીમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘અદાણી ગ્રુપને ૬૬૦ મેગાવૉટ થર્મલ અને રિન્યુએબલ પાવર સપ્લાય કરવાનો રાજ્ય સરકારે જે કૉન્ટ્રૅક્ટ આપ્યો છે એ એના વાજબી ભાવે ઇલેક્ટ્રિસિટી મેળવવાના મૂળભૂત અધિકારનો ભંગ કરે છે. એ કૉન્ટ્રૅક્ટ આપતી વખતે રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભ્રષ્ટાચાર આચર્યો છે.’
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે કહ્યું હતું કે ‘અમારું માનવું છે કે આ રીતની અવિચારી અને ચકાસ્યા વિનાની અરજી કરવાથી ક્યારેક સારા ઉદ્દેશને નુકસાન પહોંચે છે. અરજીમાં એવી કોઈ વિગતો જણાવાઈ નથી જેનાથી કહી શકાય કે રાજ્યના એ સમયના મુખ્ય પ્રધાને કૉન્ટ્રૅક્ટ આપવામાં કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય. અરજદાર આ ટેન્ડર-પ્રોસેસ સાથે સંકળાયેલા નથી કે એનો ભાગ પણ નથી. અરજદારે અસ્પષ્ટ આરોપ કર્યા હોવાથી આ અરજી ફગાવી દેવામાં આવે છે અને અરજદારને આવી અરજી કરવા બદલ મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસિસને ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપે છે.’